સરલા જૂથ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 1.10 કરોડથી વધુનું કૌભાંડ
- જિલ્લાના સહાકારી અને રાજકીય ક્ષેત્રે ભારે ચકચાર
- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત નવ વ્યક્તિ સામે ઉચાપતની ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ સહિત નવ વ્યક્તિએ સરલા જુથ સેવા સહકારી મંડળીમાં રૂા.૧ કરોડ ૧૦ લાખ ૭૦ હજારથી વધુની ઉચાપત કરી કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તેના પગલે જિલ્લાના સહાકારી અને રાજકીય ક્ષેત્રે ચકચાર મચી છે. આ અંગેની વિગત એવી છેકે, મુળી તાલુકાનાં સરલા ગામે રહેતા પ્રવિણભાઈ ગોરધનભાઈ કાવરે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયા મુજબ ગામની શ્રી સરલા જુથ સેવા સહકારી મંડળી લી.નાં વર્ષ તા.૧/૪/૨૦૦૮થી ૧૮/૭/૨૦૨૦ સુધીનાં કારોબારી સમિતિનાં સભ્યો બચુભાઈ આર.પટેલ (૨૦૧૬ સુધી મંત્રી), હરેકૃષ્ણભાઈ બી.પટેલ (૨૦૧૬ પછીથી મંત્રી), રાયચંદભાઈ ગાંડાભાઈ જાગાણી (પ્રમુખ) અને ૬ કારોબારી સભ્યોએ પોતાના હોદ્દાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી મંડળીના હિસાબી ચોપડા તથા અન્ય દફતરોમાં મનસ્વી રીતે એન્ટ્રીઓ કરી ખોટી રીતે રૂા.૧,૧૦,૭૦,૫૩૧ (અંકે રૂા.એક કરોડ દસ લાખ સિત્તેર હજાર પાંચસો એકત્રીસ પુરા)ની ખોટ દર્શાવી સરલા જુથ સેવા સહકારી મંડળીને ફડચામાં લઈ ગયા છે.
ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છેકે, સુરેન્દ્રનગર જિલ્લા સહકારી રજીસ્ટાર મંડળીની કચેરીએ આપેલા રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.૩૧/૩/૨૦૧૯ની સ્થિતિએ મંડળીમાં રૂપિયા ૧,૧૦,૭૦,૫૨૮ની ખોટ છે. તેમજ સને ૨૦૦૮/૦૯ના વર્ષથી મંડળીમાં કોઈ એવો અસાધારણ ખર્ચ થયો નથી કે જેના કારણે આવી ખોટ આવી હોય. તેમજ પુનઃવસન મુડી રોકાણ સહાય યોજના હેઠળ અને ૨૦૦૯/૧૦ના વર્ષમાં રૂા.૭૦,૩૭,૪૯૩ સહાય મળી છે. સબ ઓડિટરની હિસાબ તપાસણી યાદી, ઓડિટ નોંધની નકલ સહિતના દસ્તાવેજો ઉપરથી સ્પષ્ટ પણે જાણાય છે કે, આરોપીઓએ કેવી અને કેટલી મોટી રકમની ઉચાપત કરી છે. પોતાના અંગત અને નજીકનાં લાગતા-વળગતા લોકોના નામથી મંડળીનાં ચોપડામાં લોનની રીકવરી કરી ન હોય તેવું ખોટી રીતે જણાવી આવી લોનની રકમ નફા-નુકશાન ખાતામાં નુકશાની તરીકે દર્શાવી મંડળીને ફડચામાં લઈ જવામાં આવી છે.
ફરિયાદમાં એમ પણ જણાવાયુ છેકે, આરોપીઓએ તા.૧/૪/૨૦૦૮ થી ૩૧/૩/૨૦૧૫ સુધી દર વર્ષે વાર્ષિક રીતે ઓડિટ કરાવવાનું ફરજીયાત હોવા છતા ઓડિટ કરાવ્યુ નહી અને વર્ષ- ૨૦૧૫માં ઓડિટ થતા ઓડિટ દરમિયાન અનેક ક્ષતિ, ખામી, ગેરવહીવટ ધ્યાને આવી છે પરંતુ બચુભાઈ રામજીભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખના હોદ્દા ઉપર રહી ચુક્યા હોઈ અને અધિકારીઓ સાથે સાંઠગાઠ હોઈ કૌભાંડ બહાર આવવા દીધુ નહીં, એવો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે.
હસમુખભાઈએ સોગંદનામું કર્યુ : અમો મંડળીનાં સભ્ય કે કારોબારી સભ્ય નથી
મુળી તાલુકાની સરલા જુથ સેવા સહકારી મંડળીના વિવાદાસ્પદ બનેલા એક કરોડથી વધુના કૌભાંડમાં ૯ આરોપી પૈકીના એક હસમુખભાઈ કાનજીભાઈ દેલવાડીયાએ તા. ૧૮/૦૨/૨૦૨૨ના રોજ નોટરી સમક્ષ સોગંદનામું કરીને જણાવ્યુ છે કે તેઓ આ મંડળીમાં કોઈ સભ્યપદ પર રહ્યા નથી કે આજદિન સુધી તેમણે ક્યારેય કોઈ કારોબારી સભ્ય તરીકે ક્યાય પણ સહી કરી નથી. વિવાદાસ્પદ કૌભાંડ બાબતે તેઓ કશુ જાણતા નથી. સદરહું મંડળીમાં તેમની જાણ બહાર તેમને કારોબારી સભ્ય તરીકે લઈ અને તેમની જાણ બહાર ખોટી સહીઓ કરી ગેરકાયદેસર કૃત્ય આચર્યુ છે.