પાટડી બજાણા અને હિંમતપુરા સહિતના ગામોમાં તીડ દેખાતા ખેડૂતોમાં ફફડાટ
- કચ્છ તરફથી આવેલા તીડનાં ટોળાંઓને ભગાડવા ખેડૂતો થાળીઓ અને ઢોલ-નગારા લઈને ખેતરો તરફ દોડયા
પાટડી, તા.23 મે 2020, શનિવાર
સુરેન્દ્રનગર જિલ્લો ખેતિ આધારીત જિલ્લો છે ત્યારે મહામહેનતે જિલ્લાભરના ખેડૂતો પાકોનું વાવેતર કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ અને પાટડી સહિતના તાલુકાઓમાં તીડનું આક્રમણ વધતાં ખેડૂતોમાં ચિંતા જેાવા મળી રહી છે અને જિલ્લામાં ઉનાળું વાવેતરને મોટાપાયે નુકશાની જવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લો ખેતિ આધારિત જિલ્લો છે ત્યારે જિલ્લાભરના ખેડૂતોએ ચાલુ વર્ષે અંદાજે ૧૯૦૦૦ હેકટરમાં ઉનાળુ ં પાકનું વાવેતર કર્યુ છે.જેમાં તલ, જુવાર, રચકો, બાજરી જેવા પાકોનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી અને વઢવાણ સહિતના તાલુકામાં અચાનક તીડનો આતંક વધતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ જવા પામી હતી. જ્યારે બીજી બાજુ પાટડી તાલુકાના બજાણા અને હિંમતપૂરા સહિતના રણકાંઠાના ગામોમાં પણ તીડના ટોળા જોવા મળતાં ખેડુતોમાં ફફડાટ ફેલાઈ જવા પામી હતી અને ખેડૂતો થાળી, ઢોલ કે નગારા વગાડી તીડને ભગાડવાના કામમાં લાગી ગયા હતા.
જ્યારે આ અંગે ખેતિવાડી વિભાગના જણાવ્યા મુજબ રણકાંઠા વિસ્તારમાં દેખાયેલા તીડના ઝુંડ કચ્છ તરફથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ આ અંગે સરકાર દ્વારા દરેક ગામના સરપંચ, તલાટી અને ગ્રામસેવકની કમીટી બનાવી તીડ નિયંત્રણમાં મદદરૃપ થાય એવા ર૦ થી રપ સ્વયંસેવકોની યાદી બનાવવી, તીડ વાળા સ્થળ ઉપર દવાની વ્યવસ્થા માટે ટ્રેકટર પર મુકવાના ટાંકા અને બેરલની વ્યવસ્થા કરવી અને સરકારની સુચના મુજબ માન્ય માત્રામાં જ દવાનો ઉપયોગ કરવો સહિતની સુચનાઓ ખેતિવાડી વિભાગ દ્વારા આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ લોકડાઉનને કારણે ખેડુતોને હાલત કફોડી બની છે ત્યારે બીજી બાજુ તીડના આક્રમણને પગલે ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે.