Get The App

ધોળીધજા ડેમ છલોછલ છતાં સ્થાનિકો તરસ્યા

Updated: Jun 7th, 2021

GS TEAM


Google News
Google News
ધોળીધજા ડેમ છલોછલ છતાં સ્થાનિકો તરસ્યા 1 - image


- સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપરમાં પાણીની સમસ્યા વર્ષો જૂની

- 53 કરોડની યોજના પૂર્ણ થઇ છતાં પાણી વિતરણ ઢંગધડા વગરનું : કરોડોનો ખર્ચ કરવા છતા સમસ્યા વણ ઉકેલાયેલી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો અબજો રૃા.ના આંધણ પછી પણ કોઇ ઉકેલ ન આવતા અને પાણી વિતરણના ડીંડવાણા ચાલુ રહેતા મહિલાઓમાં રોષની લાગણી ફેલાવા પામી છે. ધોળીધજા ડેમ બારેમાસ ભરેલો રહેતો હોવા છતાં તેમજરૃા. ૫૩ કરોડના ખર્ચવાળી પાણી પુરવઠા સુધારણા યોજનાનું કામ પુરૃ થઇ ગયું હોવા છતાં શહેરમાં દરરોજ પાણી વિતરણ કેમ નથી થતું? તેવો સવાલ શહેરીજનોમાં ઉઠી રહ્યો છે.

સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપરમાં પીવાના પાણીની સમસ્યા વર્ષો જુની છે. બે-ત્રણ દિવસે એકવારગમે તે સમયે પામી વિતરણ થાય છે. સુરેન્દ્રનગરને પીવાનું પાણી પુરૃ પાડતો ધોળી ધજા ડેમ અગાઉ દર ઉનાળે ખાલી થઇ જતો હતો ત્યારે એમ કહેવાતું હતું કે નર્મદાના પાણી કેનાલ વાટે ધોળીધજા ડેમમાં આવશે ત્યારે દરરોજ પાણી વિતરણ કરવાનું શક્ય બનશે. પરંતુ ૨૦૦૮માં નર્મદાના પાણી કેનલ વાટે ધોળીધજા ડેમમાં આવ્યા પછી ધોળીધજા ડેમ બારેમાસ ભરેલો રહેતો હોવા છતાં આજ સુધી દરરોજ પાણી વિતરણ કરવાનું શક્ય બનેલ નથી. ધોળી ધજા ડેમમા પણી આવ્યા પછી દરરોજ પાણી વિતરણ કરવામાં નિષ્ફળ રહેતા તંત્રવાહકોએ પોતાની નિષ્ફળતાઓ ઉપર ઢાંક પીછોડા કરવા પાણીની વિતરણ વ્યવસ્થામાં ખામીઓ હોવાની વાત ચલાવી હતી.

૨૦૧૫માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરેન્દ્રનગરમાં પાણી વિતરણની ખામીઓ સુધારવા માટે રૃા. ૫૩ કરોડની પા.પૂ. સુધારણા યોજના મંજુર કરીને તેનું કામ શરૃ કરાવેલ હતું! આ યોજના અંતર્ગત શહેરમાં પાણી વિતરણની નવી પાઇપ લાઇન નાંખવામાં આવી છે. ૨૦૧૮માં આ યોજનાનું કામ પુરૃ થઇ ગયું છે. નવી પાઇપલાઇનનું ટેસ્ટીંગ પણ થઇ ગયું છે. તેમ છતાં શહેરમાં દરરોજ પાણી વિતરણ કરવામાં આવતુ નથી. કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ વધ્યો છે ત્યારે બે -ત્રણ દિવસ એકવાર અપૂરતું પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી મહિલાઓને હેરાન- પરેશાન થવું પડે છે. પીવાના પાણીના કેરબા વેચાતા લેવા પડે છે.

છેલ્લા ૨૫ વર્ષથી ચૂંટણી ટાણે દરરોજ પાણી વિતરણ કરવાના વાયદા નેતાગરી તરફથી કરવામાં આવે છે પરંતુ આજ સુધી આ વાયદાઓ સાચા પડયા નથી. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, એક તરફ શહેરીજનો નિયમીત પાણી વિતરણ ન થતા હેરાન- પરેશાન થઇ રહ્યા છે. બીજી તરફ તૂટેલી પાઇપ લાઇનોનું સમારકામ ન થતાં હજારો લિટર પાણી વેડફાઇ જતું જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં વહેલી તકે દરરોજ પાણી વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે.

ત્રણ- ત્રણ મુખ્યમંત્રીના વાયદા ખોટા પડયા

ગુજરાતના ત્રણ મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરમાં દરરોજ પાણી વિતરણ કરવાના કરેલ વાયદા ખોટા પડયા છે. સૌ પહેલાં ખોડુ-રાયગઢ પા.પૂ. યોજનાનાં લોકાર્પણ પ્રસંગે મેળાના મેદાનમાં મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે હવે દરરોજ પાણી વિતરણ કરવાનું વચન આપેલ હતું. ત્યારબાદ ૨૦૦૮માં નર્મદાના પાણી ધોળીધજા ડેમમાં આવતા તેને વધાવતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હવે દરરોજપાણી વિતરણ કરવાનું વચન આપેલ હતું. છેલ્લે ૨૦૧૫માં ૫૩ કરોડની પા.પૂ. સુારણા યોજનાનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે આ યોજનાનું કામ એક વર્ષમાં પુરૃ થતા સુરેન્દ્રનગરમાં દરરોજ પાણી વિતરણ થઇ શકશે. કમનસીબે આજ સુધી દરોજ પાણી વિતરણ ન થઇ શકતા ત્રણ - ત્રણ મુખ્યમંત્રીઓએ સુરેન્દ્રનગની પ્રજાને આપેલા વચનો ખોટા પડયા છે.

પાણી વિતરણનો કોઇ સમય નિશ્ચિત નથી

સુરેન્દ્રનગરમાં બે-ત્રણ દિવસે એકવાર વિતરણ થતું પાણી ગમે તે સમયે આપવામાં આવે છે. ક્યારેક વહેલી સવારે.. ક્યારેક રાત્રે તો ક્યારેક ધગધગતી બપોરે પાણી આપવામાં આવતા મહિલાઓ હેરાન- પરેશાન થાય છે. કેટલાક વિસ્તારોમાં દિવસે અપાતું પાણી વાસ મારતું અને ગંદુ આવતું હોવાનું જાણવા મળે છે.

ટેન્કરના ફેરાઓમાં ભ્રષ્ટાચારની બૂ

સુરેન્દ્રનગરના છેવાડાના કેટલાય વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પહોંચતું ન હોવાથી આવા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પુરૃ પાડવામાં આવે છે. ટેન્કરના પેરા નોંધાઇ જતા હોવા છતાં છેવાડાના વિસ્તારોમાંથી પાણી પહોંચતું ન હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. બીજી તરફ ડેમ પાસેની પાણીની ટાંકીથી થોડા અંતરે આવેલ રાધે ટેનામેન્ટમાં પાણીનો ફોર્સ ઓછો આવતો હોવાથી ખાનગી ટેન્કરો મંગાવવા પડતા હોવાનું જાણવા મળે છે. આથી ટેન્કર રાજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકાઓ વ્યક્ત થાય છે. આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો ઘણી ગેરરીતીઓ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી.

Tags :