લીંબડી હાઈવે પર છાલીયા તળાવ પાસે આઈસરમાંથી રૂ.34 લાખનો દારૂ ઝડપાયો
દારૂબંધી વાળા રાજ્યમાં દારૂની રેલમછેલ
૮,૩૨૮ બોટલ દારૂ સહિત રૂ.૪૪.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ સામે ગુનો નોંધ્યો
લીંબડી: લીંબડી-રાજકોટ હાઈવે પર છાલીયા તળાવ પાસે આઈસરમાંથી ૮,૩૨૮ બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે રૂ.૩૪ લાખનો દારૂનો જથ્થો અને વાહન મળીને કુલ રૂ.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે વાહન ચાલક અને આરોપીઓ મળી ના આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
લીંબડી પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે સૌકા ગામે રહેતા મયુરસિંહ પ્રવીણસિંહ ઝાલા અને શીવુભા ઈન્દુભા ઝાલા આઈશર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લીંબડી-રાજકોટ હાઈવે પર છાલીયા તળાવ પાસેથી સૌકા ગામની સીમમાં દારૂના જથ્થાનું કટીંગ કરવાના છે તેવી બાતમી મળી હતી.
જેના આધારે પોલીસે વોચ ગોઠવીને દારૂ ભરેલી આઈશરને ઝડપી પાડી હતી. જેમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૮,૩૨૮ બોટલ મળી આવી હતી. પરંતુ દરોડા દરમિયાન આઈસર ચાલક નાસી ગયો હતો. પોલીસે રૂ.૩૪,૩૧,૦૪૦ની કિંમતનો વિદેશી દારૂ અને આઈસર મળીને રૂ.૪૪,૩૧,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આઈસર ચાલક, મયુરસિંહ ઝાલા, શીવુભા ઝાલા સહિત તપાસમાં ખુલે તે તમામ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.