Get The App

કિરીટસિંહ રાણાનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં લીંબડીમાં ખુશી

Updated: Sep 16th, 2021

GS TEAM

Google News
Google News
કિરીટસિંહ રાણાનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં લીંબડીમાં ખુશી 1 - image

- અગાઉ રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચુક્યાં હતા

- વન પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી મંત્રાલય સોંપવામાં આવ્યું

સુરેન્દ્રનગર,લીંબડી : ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થયા બાદ નવામંત્રી મંડળની રચના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર, પ્રદેશ પ્રમુખ સી.ડી.પાટીલ તથા રાષ્ટ્રીય પ્રભારીઓએ ભારે મથામણ પછી નામો નક્કી કરેલ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો કેબીનેટ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવતા ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાવા પામેલ છે. 

ગઈકાલે તમામ નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાયો હતો ત્યારબાદ ખાતાઓની ફાળવણી કરવામાં આવતા કિરીટસિંહ રાણાને વન  પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

લીંબડી, ચુડા, સાયલાના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૯૪થી ભારતીય જનતા પાર્ટીમાં યુવા ભાજપના પ્રમુખ તરીકે કરી હતી. ૧૯૯૫માં પ્રથમ વખત ધારાસભ્યની ચુંટણી લડીને જીત્યાં હતા. ૧૯૯૮ માં પશુપાલન ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ ૨૦૧૨માં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમણે કરેલા પ્રજાલક્ષી કામોને ધ્યાનમાં રાખી વન અને પર્યાવરણ ખાતું સોપવામાં આવ્યું હતું. લીંબડી ૬૧ વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા વર્ષ ૧૯૯૪થી લઈને ૨૦૨૦ સુધીમાં કુલ ૮ વખત ધારાસભ્યની ચુંટણી લડયા છે. તેમાંથી ૬ વખત જીત મેળવી છે. તેમાંથી ૨ વખત ભાજપ સરકાર દ્વારા તેમને પશુપાલન, વન અને પર્યાવરણ એમ બે ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.  ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલના દ્વારા નવ નિયુક્ત ૧૧ કેબિનેટ મંત્રી તેમજ ૧૪ રાજ્ય કક્ષાના મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. 

કિરીટસિંહ રાણાને મંત્રીમંડળમાં સ્થાન મેળવવા બદલ કિરીટસિંહ રાણાને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, પ્રદેશ અગ્રણી આઈ.કે.જાડેજા સહિતના આગેવાનો તથા કાર્યકરોએ અભિનંદન પાઠવેલ હતા.