10 ગામ દીઠ 1 મોબાઇલ પશુ દવાખાના યોજના ફરી શરૂ કરવા રજૂઆત કરાઇ
- પશુ સેવાનું ખાનગીકરણ થવાથી દવાની ગુણવત્તા અને વહીવટ બગડયો હોવાની જિલ્લા કલેકટરને રજૂઆત
સુરેન્દ્રનગર, સાયલા, તા. 10 જુન 2020, બુધવાર
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના તાજેતરમાં જીવીકે-ઈએમઆરઆઈ દ્વારા અમલ કરવામાં આવી છે જેના વિરોધમાં આ યોજનામાં ફરજ બજાવતાં પશુ ચીકીત્સા અધિકારીઓ અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખી વિરોધ કરવામાં આવ્યો હતો અને આ અંગે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૧૫-૧૬થી ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના અમલમાં આવી હતી જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત કરવામાં આવ્યાં છે ત્યારે આ યોજના સાથે સંકળાયેલ પશુ ચીકીત્સક દ્વારા સેજા હેઠળના ગામોમાં ગામ બેઠા પશુપાલકને પશુ સારવાર, મેડીસીન સપ્લાય, રસીકરણ, પશુ પ્રજનન સુવિધાઓ, વિસ્તણ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને પશુ સારવારના કારણે પશુઓમાં રોગચાળો નાબુદ થતાં દુધ ઉત્પાદનમાં અને પશુપાલકોની આજીવીકામાં પણ વધારો થયો છે. જ્યારે દરેક જિલ્લામાં કરૃણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ કાર્યરત છે પરંતુ ખુબ જ ટુંકા સમયગાળામાં મોટીસંખ્યામાં પશુ ચીકીત્સકો દ્વારા રાજીનામા આપવામાં આવેલ છે. જે જીવીકે-ઈએમઆરઆઈ પ્રત્યે અસંતોષ દર્શાવે છે આથી પશુસેવાનું ખાનગીકરણ થવાથી દવાની ગુણવત્તા તથા કંપનીના બિનઅનુભવી વહિવટના કારણે પશુધન અને ખેડુતનું હિત જોખમમાં મુકવાની શક્યતાઓ છે.
આથી પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખી ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના ફરીથી શરૃ કરવામાં આવે તથા પશુપાલન સેવાનું ખાનગીકરણ અટકાવવામાં આવે તેવી માંગ કરી હતી.