- શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી
- સાયલા ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં કલેકટરના હસ્તે ધ્વજવંદન : વિવિધ સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ : ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉજવણી
સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં ગામે ગામ ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ, ઉમંગ અને ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ગામ અને સંસ્થાઓમાં યોજાયેલ તિરંગાયાત્રા અને ધ્વજવંદન કાર્યક્રમોમાં લોકોએ મોટીસંખ્યામાં હાજરી આપીને દેશપ્રેમ વ્યક્ત કરેલ હતો.
આજે ભારતનાં ૭૬માં સ્વતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લકક્ષાની ઉજવણી સાયલા સ્થિત સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટનાં અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. કલેકટરએ રાષ્ટ્ર ભક્તિનાં અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ નિમિત્તે સાયલા તાલુકાની વિવિધ કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું.
આ અગાઉ જિલ્લા કલેકટર કે.સી.સંપટે પોતાનાં પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ અને સરદારસિંહ રાણા સહિતના સ્વાતંત્ર્ય વીરોનાં બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, દેશની સ્વતંત્રતા કાજે પોતાના જાન ન્યોછાવર કરનાર અનેક વીર સપૂતોનાં બલિદાનોનાં કારણે મળેલી આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમનાં યોગદાનને યાદ કરવાનાં શુભ આશયથી સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. જિલ્લા કલેકટરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પંક્તિ 'સ્વાધીનતા, તારા નામમાં શી મીઠાશ ભરી'ને ટાંકતા જણાવ્યું હતું કે આ મોંઘેરી, વ્હાલી આઝાદી મેળવવાની લડાઈમાં ઝાલાવાડનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે. સરદારસિંહ રાણા, ઝવેરચંદ મેઘાણી જેવા જાણીતા સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપરાંત મોતીભાઈ દરજી, ફુલચંદભાઈ શાહ, ચીમનભાઈ વૈષ્ણવ, બબલભાઈ મહેતા, સ્વામી શિવાનંદજી, સરદાર પટેલના જમણા હાથ સમા મણીલાલ કોઠારી અને બળવંતભાઈ મહેતા જેવા ઝાલાવાડના અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને કલેકટરએ યાદ કરતા આદરાંજલિ પાઠવી હતી. આ શુભ અવસરે તેમણે આપણા મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યરત થવા, તમામ દેશ બાંધવોને સાથે લઈને પ્રગતિ સાધવાનો શુભ સંકલ્પ લેવા સૌને અપીલ કરી હતી.
૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં વિવિધ વિભાગનાં ૭૫ અધિકારી/કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લાનાં ૩ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરનાં હસ્તે સાયલા તાલુકામાં વિકાસ કાર્યો અર્થે રૂા.૨૫ લાખનો ચેક સાયલા તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અંતમાં જિલ્લા કલેકટર તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં વઢવાણ ધારાસભ્ય ઘનજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ એન. મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સહિતનાં વિવિધ પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
મહેતા માર્કેટમાં પ્રથમવાર ધ્વજવંદન કરાયું
સુરેન્દ્રનગરમાં જથ્થાબંધ અને છુટક વેપારથી ધમધમતી મહેતા માર્કેટના તોપવાળી મેલડી માતાના મંદીરવાળા ચોકમાં વેપારીઓ, શ્રમીકો (મજુરો) દ્વારા સૌ પ્રથમવાર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, વેપારી આગેવાનો કિરણભાઈ રાઠી, બાબુભાઈ પ્રજાપતિ ઉપરાંત વેપારીઓ, શ્રમીકોએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપેલ હતી.
જે.એસ.જી. સિલ્વર દ્વારા તિરંગાયાત્રા યોજાઈ
સુરેન્દ્રનગર જૈન સોશ્યલ ગૃપ (સિલ્વર) દ્વારા વિશાળ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ યાત્રામાં જે.એસ.જી. સૌરાષ્ટ્ર રીજીયનના ચેરમેન ચેતનભાઈ વોરા તેમજ સંસ્થા પ્રમુખ અલ્પેશભાઈ દેસાઈ, મીડટાઉનના પ્રમુખ પરેશભાઈ શાહ, જે.એસ.જી. રોયલ્સના પ્રમુખ અને રીજીયનના અગ્રણી ભાવીકભાઈ શાહ, જૈન અગ્રણી હકાભાઈ દફતરી તેમજ પદાધિકારીઓ અને સભ્યો મોટી સંખ્યામાં જોાડાયા હતા.
ઝાડીયાણામાં સ્વાતંત્ર્યવીર વ્યાખ્યાન માળા યોજાઈ
પાટડી તાલુકાના ઝાડીયાણા ગામની પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી રૂપે તા.૧લી ઓગષ્ટથી ૧૫ ઓગષ્ટ સુધી સ્વાતંત્ર્ય સંગ્રામના ૨૧ ક્રાંતીકારીઓના જીવન-કવન ઉપર વ્યાખ્યાન માળા યોજાઈ હતી. ઈતીહાસમાં ખાસ નોંધ લેવાઈ ન હોય તેવા આ ક્રાંતીકારીઓ વિશે વિદ્યાર્થીઓએ વકતવ્ય આપેલ હતા. દરેક વક્તા વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને પારીતોષીક એનાયત થયા હતા. વિદ્યાર્થીઓને માર્ગદર્શન શિક્ષક અને સંયોજક ભગવતદાન ગઢવી તથા જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા અપાયેલ હતું.
હોમગાર્ડ યુનિટ - સુન્ની મદરસા દ્વારા ચોટીલામાં ધ્વજવંદન
ચોટીલા ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમીતે હોમગાર્ડ યુનિટ અને સુન્ની મદ્રેસાના બાળકો દ્વારા તિરંગા રેલીનુેં આયોજન કરવામાં આવેલ હતું.
આ અંગેની વિગત એવી છેકે,ચોટીલા હોમગાર્ડ યુનિટના જવાનોએ સ્વાતંત્ર્ય દિને બાઈક સાથે તિરંગાયાત્રા યોજી હતી. આ તિરંગાયાત્રામાં કમાન્ડિંગ ઓફીસર ધર્મેન્દ્રસિંહ ઝાલા, હોમગાર્ડ જવાનોએ બાઈક સાથે રામચોક, ટાવરચોક, સહીતના વિસ્તારોમાં ફરીને દેશભક્તિનો સંદેશ આપેલ હતો. તેવી જ રીતે ચોટીલાના સુન્ની મદ્રેસાના બાળકોએ પણ તિરંગારેલી યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોની રાષ્ટ્રભાવનાને જાગૃત કરેલ હતી.


