વિરમગામ, તા. 17 જુલાઇ 2020, શુક્રવાર
અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. વિરમગામ શહેર અને તાલુકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૧૧૫ પોઝિટિવ કેસો નોંધાયા છે જ્યારે કોરોના વાયરસ સંક્રમણ અંગે રાજ્ય સરકાર દ્વારા જરૃરી ગાઇડ લાઇન જાહેર કરી છે.
તેમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવું મોઢા ઉપર માસ્ક પહેરવું ફરજીયાત છે જ્યારે વિરમગામ શહેરમાં સરકારી ગાઇડ લાઇન અને તંત્રની અપીલનો ઉલાળીયો કરી શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં ૫૦૦થી વધુ લોકો પાસેથી અંદાજે ૧ લાખ રૃપિયા જેટલો દંડ વસૂલવામાં આવેલ છે.
આમ માસ્ક વગર વાહન લઇને ફરતા વાહનચાલકો અને નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. આમ પોલીસ દ્વારા લાલ આંખ કરતા લોકો ફરજીયાત માસ્ક પહેરીને ફરતા નજરે પડતા હતા. તંત્ર દ્વારા માસ્ક પહેરીને નીકળવા જણાવ્યું છે.


