Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં વાહનચાલકોએ માસ્ક પહેર્યા હોવા છતાં દંડ વસૂલાતો હોવાની રાવ

- સરકારે રોજ વધુ કેસ કરવાનો ટાર્ગેટ આપ્યો હોવાનો પોલીસ વિભાગનો આક્ષેપ

- શહેરી વિસ્તારમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને ટ્રાફિકના કર્મીઓ વધુ કેસ બતાવવા મેમા ફટકારતા રોષ

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં વાહનચાલકોએ માસ્ક પહેર્યા હોવા છતાં દંડ વસૂલાતો હોવાની રાવ 1 - image


સુરેન્દ્રનગર, તા. 12 જુલાઇ 2020, રવિવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ શહેરી વિસ્તારોમાં વહિવટી અને પોલીસ તંત્ર દ્વાર ચુસ્તપણે માસ્ક પહેરવાના નિયમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે તે ખુબ જ સારી બાબત છે. 

પરંતુ શહેરી વિસ્તારમાં અમુક અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા વાહનચાલકોએ માસ્ક પહેર્યું હોવા છતાં માત્ર કેસ બતાવવાના બહાને રોકડ રકમનો દંડ ફટકારવામાં આવતાં વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સરકાર દ્વારા પણ પોલીસ કર્મચારીઓને વધુ કેસ કરવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં તંત્ર સર્તક બન્યું છે અને વહિવટી તેમજ પોલીસ તંત્ર દ્વારા અલગ-અલગ રસ્તાઓ પર ચેકીંગ હાથધરી માસ્ક ન પહેરનાર વાહનચાલકો પાસેથી વ્યક્તિ દીઠ રૂા..૨૦૦નો દંડ વસુલવામાં આવે છે જે ખુબ જ પ્રશંસનીય અને સરાહનીય કામગીરી છે. પરંતુ શહેરના અમુક પોઈન્ટ અને રસ્તા પર ફરજ સોંપેલ ટ્રાફીક વિભાગનાં પોલીસ કર્મચારીઓ સહિત બ્રીગેડના જવાનો દ્વારા વાહનચાલકોએ માસ્ક અથવા રૃમાલ પહેર્યો હોવા છતાં ઉભા રાખી ખોટી દાદાગીરી અને નિયમો બતાવી રોકડ રકમનો દંડ વસુલવામાં આવે છે. જ્યારે આ અંગે ફરજ પરનાં ટ્રાફીક વિભાગનાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ સહિત બ્રિગેડના જવાનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જ તેઓને દરરોજ માસ્ક ન પહેરવા બદલ કેસ કરવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોવાનું અને જેને ધ્યાને લઈ ફરજીયાત વાહનચાલકો પાસેથી દંડ વસુલવામાં આવતો હોવાનોઆક્ષેપ કર્યો હતો. 

જ્યારે અમુક બનાવોમાં વાહનચાલકોએ માસ્ક સંપૂર્ણ પહેર્યું હોવા છતાં ખોટી રીતે કનડગત કરવામાં આવી રહી છે. તાજેતરમાં શહેરના ટાવર પાસે આવેલ પાલિકા સંચાલિત લાયબ્રેરીની અંદર જઈ ફરજ પરનાં પોલીસ કર્મચારીઓએ પાંચ થી છ યુવકોએ માસ્ક પહેર્યું હોવા છતાં ખોટી રીતે મેમો ફટકારી પ્રતિ યુવક દીઠ રૃા.૨૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગરીબ અને મધ્યમવર્ગના લોકો જેઓ છુટક મજુરી અને કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ પાસેથી પણ માસ્ક ન પહેરવા બદલ રોકડ રકમનો દંડ વસુલવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા માત્ર આવક મેળવવા પોલીસ તંત્ર પર દબાણ કરી વધુ કેસ કરી દંડ વસુલવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર સહિત પોલીસ તંત્ર દ્વારા આ નિયમોમાં છુટછાટ આપવામાં આવે અને પોલીસ તંત્ર દ્વારા માસ્ક ન પહેરવા બદલ વસુલવામાં આવતો રૂા. ૨૦૦ના વ્યક્તિ દીઠ દંડને બદલે વાહનચાલકોને માસ્ક આપી કોરોના વાયરસ સામે જાગૃત અને સાવચેત કરવામાં આવે તેવી માંગ છે.

Tags :