સાયલા, તા. 19 જુલાઇ 2020, રવિવાર
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જેમાં સાયલા તાલુકાના કરસનપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરનું પાણી ઉભરાઈને રસ્તા પર આવી જતાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતાં લોકોને હાલાકી પડી રહી હતી. જે અંગે તંત્ર દ્વારા કોઈ જ પગલા હાથધરવામાં ન આવતાં સ્થાનિક સદસ્ય અને લોકોએ ફાળો એકત્ર કરી ભુગર્ભ ગટરલાઈનની કામગીરી હાથધરી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા ખાતે આવેલ કરશનપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરનું પાણી ઉભરાઈને રસ્તા પર ફેલાઈ જતાં આસપાસમાં રહેતાં અંદાજે ૫૦૦થી વધુ પરિવારોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો હતો તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતાં ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી હતી. આ ઉપરાંત ત્યાં રામદેવપીરનું મંદિર પણ આવેલ છે જ્યાં અનેક લોકો દર્શનાર્થે આવે છે આમ આ ભુગર્ભ ગટરનાં પ્રશ્ન અંગે સ્થાનિક રહિશો સહિત આગેવાનોએ અનેક વખત સાયલા ગ્રામ પંચાયતને રજુઆતો કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ ન આવતાં આ વિસ્તારનાં ચુંટાયેલા સભ્યો દ્વારા અને સ્થાનિક લોકોએ સંયુક્ત રીતે લોકફાળો એકત્ર કરી પોતાના સ્વખર્ચે અંદાજે રૂા.૧.૫ લાખના ખર્ચે ભુગર્ભ ગટરની નવી લાઈન નાંખી ગટરના ગંદા પાણીનો કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી જેના કારણે રહિશોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
ત્યારે સાયલાના કરશનપરા વિસ્તારમાં ભુગર્ભ ગટરને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં હતાં પરંતુ તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ ન આવાતાં છેવટે સ્વખર્ચે ભુગર્ભ ગટરની લાઈન નાંખી હતી.


