સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ગંદકી, કચરાની ઢગથી રહીશો ત્રસ્ત
- પાલિકાના પાપે સ્વચ્છતા અભિયાન કાગળ પર
- કોરોનાની મહામારીમાં ગંદકી મામલે સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રને અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય
સુરેન્દ્રનગર, તા. 19 જુલાઇ 2020, રવિવાર
સમગ્ર રાજ્ય સાથે જિલ્લામાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર શહેરનાં અનેક રહેણાંક વિસ્તારોમાં ઠેરઠેર ગંદકી અને કચરાના ઠગ જોવા મળી રહ્યાં છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ બાપા સીતારામની મઢુલી સહિતના વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગ નજરે પડી રહ્યાં છે જે અંગે પાલિકાના સત્તાધિશોને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલીક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરની મધ્યમાં આવેલ કૃષ્ણનગર અને ૩૮ ક્વાર્ટર વિસ્તારમાં અનેક પરિવારો વસવાટ કરે છે ત્યારે અહિં બાપા સીતારામની મઢુલીની બાજુમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યાં છે અને જેના કારણે ગંદકી તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફેલાવાની દહેશત પણ ફેલાઈ રહી છે.
હાલ સફાઈ કામદારોની હડતાળ ચાલી રહી છે પરંતુ તે પહેલા પણ અનેક વખત સ્થાનિક રહિશો અને આગેવાનોએ પાલિકા તંત્રને રજુઆતો કરી હતી પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી. આથી લોકોને જાણે બફર ઝોનમાં રહેતાં હોય તેમ ઘરના દરવાજા બંધ રાખી રહવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અગાઉ આ વિસ્તારમાં ૪થી વધુ કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યાં છે ત્યારે તાત્કાલીક આ કચરાનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.