ધ્રાંગધ્રામાં સરકારી ગાઈડલાઇન મુજબ વરકન્યાએ માસ્ક પહેરીને ફેરા ફર્યા
- કોરોનાની મહામારી વચ્ચે પણ પ્રસંગ યોજ્યો
- માત્ર ૧૦ જ લોકો લગ્નમાં ઉપસ્થિત રહ્યા : સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી પ્રસંગ પાર પાડયો
ધ્રાંગધ્રા, તા. 28 જુલાઇ 2020, મંગળવાર
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને સરકાર દ્વારા દેશ ભરમાં અંદાજે બે મહિના સુધી લોકડાઉન પણ તબક્કાવાર જાહેર કરવામાં આવ્યું હતું અને હાલ ધીમેધીમે શરતોને આધીન છુટછાટ આપવામાં આવી છે. ત્યારે લગ્નપ્રસંગ અથવા મરણપ્રસંગને લઈને પણ તંત્ર દ્વારા છુટછાટ અપાઈ છે જ્યારે ધ્રાંગધ્રા ખાતે સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરી એક પરિવારને ત્યાં પુત્રના લગ્ન યોજાયા હતાં.
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતાં પુનમચંદ શેઠના પુત્રના નિખિલકુમારના લગ્ન લોકડાઉનના કારણે મુલત્વી રાખવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ અનલોક દરમ્યાન સરકારે વધુ છુટછાટ આપવામાં આવતાં પરિવારે લગ્ન સાદાઈથી અને સરકારના નિયમોનું પાલન કરી કરવામાં આવ્યાં હતાં. જેમાં સરકાર દ્વારા ૫૦ માણસોને જ હાજર રાખવાની સુચનાઓ હતી પરંતુ વરરાજા તરફથી તેમનો પરિવાર અને દિકરીવાળા તરફથી તેમનો પરિવાર મળી ફક્ત ૧૦ લોકો જ હાજર રહ્યાં હતાં. જ્યારે સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને તેમજ સેનેટાઈઝર વડે હાથ સાફ કરવામાં આવ્યાં હતાં અને વરરાજા તેમજ કન્યાએ પણ લગ્નની વિધિ માસ્ક પહેરીને કરી હતી. જ્યારે કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ લગ્ન પ્રસંગે જમણવાર કે બહારના વ્યક્તિને નિમંત્રણ આપવામાં આવ્યું નહોતું અને સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું. આમ કોરોના વાયરસની મહામારી દરમ્યાન સરકારની ગાઈડલાઈન સાથે લગ્ન યોજી એક પ્રેરણાદાયક ઉદાહરણ સમાજને પુરૂ પાડવામાં આવ્યું હતું.