ધોળકા શહેરમાં 1 જ દિવસમાં કોરોના પોઝિટિવના 14 કેસ નોંધાતા ખળભળાટ
- કિલર કોરોનાનો અમદાવાદ શહેર બાદ જિલ્લાને પણ અજગરી ભરડો
- અગાઉ 3 કેસ નોંધાયા બાદ આરોગ્યતંત્રએ સર્વે હાથ ધરી 60 ટેસ્ટિંગ કરતા પોઝિટિવ કેસ મળ્યા : તમામ દર્દીઓને અમદાવાદ ખસેડયા
બગોદરા, તા.5 મે 2020, મંગળવાર
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાય રહ્યા છે. જેમાં ધોળકા તાલુકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના ૧૪ પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને તમામ દર્દીઓને ૧૦૮ મારફતે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાલેસરના દર્દીના સંપર્કમાં આવેલા બે વ્યક્તિને પણ કોરોના થયો.
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ધોળકા શહેરમાં એકસાથે એક જ દિવસમાં ૧૨ પોઝીટીવ કેસો કોરોનાના જણાઈ આવતાં આરોગ્યતંત્ર સહિત વહિવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં બે દિવસ પહેલા ધોળકા ખાતે કલીકુંડ, મધીયા, ગોલવાડ વિસ્તારમાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ આવ્યા હતાં. ત્યારબાદ આરોગ્યતંત્રએ સર્વે હાથ ધરી ૬૦ જેટલા ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાં એક જ દિવસમાં ૧૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં ગોલવાડ વિસ્તારના દર્દીના પરિવારમાંથી ૬ વ્યક્તિઓ અને તેમના સંપર્કમાં આવેલ ૨ તથા અન્ય દર્દીના સંપર્કમાં આવેલ ૪ મળી કુલ ૧૨ કેસ પોઝીટીવ આવ્યા હતાં. જેમાં સરસ્વતી, ખારાકુવા અને ગોલવાડ વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે એક સાથે એક જ દિવસમાં ૧૪ પોઝિટિવ કેસો આવતાં લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને તમામ દર્દીઓને મોડી રાત્રે ૧૦૮ મારફતે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પેાલીસ દ્વારા નવી નગરપાલિકા, વિરાટનગર પ્રવેશ દ્વારથી પતરા લગાવી મહમદી સ્કુલ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.