ચોટીલાની સરકારી હોસ્પિટલમાં પાણી અને ગંદકી મુદ્દે દર્દીઓનો હોબાળો
- દર્દીઓના આરોગ્ય સામે જોખમ ઉભું થયું
- રજૂઆત છતાંય કોઇ સાંભળનાર ન હોવાથી દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં ધમાલ મચાવી
ચોટીલા : યાત્રાધામ ચોટીલામાં સરકારી રેફરલ હોસ્પિટલમાં ગંદકીની સમસ્યાથી દર્દીઓએ હોબાળો મચાવતા હલચલ મચી જવા પામી હતી. તો સમસ્યાનું મુળ પાણીની લાઇન બ્લોકેજ થવાથી સર્જાયું હોવાનું તબીબોનું કહેવું છે.
ચોટીલા સહિતનાં આસપાસનાં જન આરોગ્ય માટે લોકો રેફરલ હોસ્પિટલની સારવારને આધીન છે દરરોજની ૩૫૦ જેટલા ઓપીડી કેસો છે તેમજ પ્રસુતિનું પણ સારૂ પ્રમાણ છે શનિવારનાં પ્રસુતા મહિલા દર્દીઓ અને તેના પરિવારોએ ગંદકી અને પાણી સમસ્યા અને હોસ્પિટલની બેદરકારીને લઈને હોબાળો મચાવ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં પાણી સમસ્યા સર્જાય છે તેની સીધી અસર સફાઇ કામગીરી ઉપર પડતા શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યા છે. પ્રસુતા મહિલાઓના આરોગ્યને પણ જોખમ ઉભુ થયું છે. આ અંગે દર્દીઓએ લાગતા વળગતાને ફરિયાદ કરતા દર્દી પરિવાર સાથે ઉધ્ધત વર્તન ની પણ રાવ ઉઠી હતી .
હોસ્પિટલ પાછળની સાઇડમાં આવેલ મહિલા વોર્ડમાં રાત્રીના કોઈ જવાબદારો હાજર રહેતા ન હોવાનો આક્ષેપ દર્દીઓ કરી રહ્યા છે.
ગંદકી સંદર્ભે ડો. મુકેશ સાકરીયા એ જણાવ્યું હતું કે આ સમસ્યા પાણી ની લાઇન બ્લોકેજ થવાથી પાણી ટાકાઓ નહીં ભરાતા પહોચતા સર્જાય છે રીપેરીંગ કામગીરી શરૂ કરાયેલ છે હાલ ટેન્કરથી પાણી ભરવાનો નિર્ણય લીધો છે.