ચુડા તાલુકાના ગોખરવાડા ગામે વીજકરંટ લાગવાથી હેલ્પરનું મોત
- રિપેરીંગ કામ કરતી વેળાએ કરંટ લાગ્યો વીજતંત્રની ઘોર બેદરકારી સામે રોષ
લીંબડી, તા. 12 જુલાઇ 2020, રવિવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતે મોતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચુડા તાલુકાના ગોખરવાડા ગામે ચાલુ રીપેરીંગ કામ દરમ્યાન વિજશોક લાગવાથી હેલ્પર કર્મચારીનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જ્યારે આ અંગે ગ્રામજનો અને પરિવારજનોમાં વિજતંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચુડા તાલુકાના ગોખરવાડા ગામે પીજીવીસીએલ તંત્ર દ્વારા મેઈન્ટેનન્સ અર્થે રીપેરીંગ કામ હાથધરવામાં આવ્યું હતું. જે દરમ્યાન વિજ થાંભલા પર ચડીને વિજકર્મચારીઓ સહિત હેલ્પર વિજ ટ્રાન્સફોર્મરમાં રીપેરીંગ કામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન અચાનક વિજશોક લાગતાં હેલ્પર રણજીભાઈ ગેલડીયા ઉ.વ.૩૫ વાળાનું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક હેલ્પરની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે આ બનાવની જાણ થતાં પીજીવી સીએલના અધિકારીઓ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતાં. જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે હેલપરનું મોત નીપજ્યું હતું અને તંત્રની બેદરકારી સામે ગ્રામજનો સહિત પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો.