બગોદરા આરોગ્ય કેન્દ્ર સામે સરકારી આયોડિન-મીઠાનો જથ્થો ફેંકી દેવાયો
- કોણ - શા માટે ફેંકી ગયું તે અંગે રહસ્ય
બગોદરા, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
સરકાર દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને લઈ અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેમજ સરકાર દ્વારા સ્વાસ્થયની જાળવણી માટે ઉચ્ચગુણવત્તાની ચીજવસ્તુઓ પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે આવી ચીજ વસ્તુઓ લોકો સુધી ન પહોંચતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે બગોદરા આરોગ્ય કેન્દ્ર સામે સરકારી આયોડીન મીઠાનો જથ્થો ફેંકી દેવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા જરૂરીયાતમંદ સહિત સગર્ભા મહિલાઓના સ્વાસ્થયને ધ્યાને લઈ પોષણયુક્ત આહાર અને આયોડીનયુક્ત ડબલ સર્ટીફાઈઝ મીઠું આઈસીડીએસ વિભાગ દ્વારા લાભાર્થીઓને વિનામુલ્યે આપવામાં આવે છે.
પરંતુ બગોદરા આરોગ્ય કેન્દ્ર સામે જ સરકારી આયોડીન મીઠાનો જથ્થો ફેંકી દેવામાં આવતાં અનેક સવાલો ઉભા થયાં છે. આ આયોડીનનો જથ્થો કોણે અને શા માટે ફેંકી દેવામાં આવ્યો તે અંગે પણ અનેક સવાલો ઉભાં થયાં છે. જ્યારે બગોદરા આરોગ્ય કેન્દ્ર સામે જ આયોડીન યુક્ત સરકારી મીઠું મળી આવતાં આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઉભાં થયાં છે.