તલવણી ગામના પાટિયા પાસે જૂથ અથડામણમાં ચાર ઘવાયા
- લખતર- લીંબડી હાઇ-વે પરની ઘટના
- રૂપિયાની લેતીદેતીની અદાવતમાં ધોકા અને છરી વડે હુમલો : રૂા. 56 હજારની લૂંટ ચલાવાઈ : છ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર, તા.22 ફેબ્રુઆરી 2021, મંગળવાર
સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે જીલ્લામાં લુંટ, હત્યા, ફાયરીંગ અને મારામારી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર-લીંબડી હાઈવે પર બે જુથો વચ્ચે મારામારી થતાં ચાર જેટલાં લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લામાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે લખતર-લીંબડી હાઈવે પર તલવણી ગામના પાટીયા પાસે બે જુથો વચ્ચે સામાન્ય બાબતે મારામારીનો બનાવ બન્યો હતો.
જેમાં અંદાજે ચાર જેટલાં વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. જે અંગે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જે મુજબ ફરિયાદી પીન્ટુભાઈ રતીલાલ ચૌહાણ રાજપૂત રહે.નાની વાવડી મોરબીવાળાને બે થી ત્રણ જેટલાં શખ્સોએ ખાવા તેમજ પીવાના પ્રોગ્રામ માટે બોલાવ્યા હતાં અને સાહેદ પારસ ઉર્ફે સુલ્તાન ગીરધરભાઈ અનુ.જાતિ સાથે બાવલો ઉર્ફે ભાવલો દેવીપુજક સહિત અજાણ્યા ચાર શખ્સોએ રૂપિયાની લેતી-દેતી બાબતે જુનું મનદુઃખ ચાલતું હોય તેની દાઝ રાખી એકસંપ થઈ લાકડાના ધોકા તથા છરી જેવા હથિયાર વડે ફરિયાદી પીન્ટુભાઈ તથા સાહેદ પારસભાઈ સાથે ઝઘડો કરી મારમારી ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત અન્ય શખ્સો નરેશભાઈ ઉર્ફે કાનાભાઈને પણ માથાના ભાગે ધોકાઓ વડે ઈજાઓ પહોંચાડી હતી.
તેમજ આ ઝપાઝપી દરમ્યાન ફરિયાદી પીન્ટુભાઈનો સોનાનો ચેઈન અંદાજે ૩ તોલાનો પાડી દઈ ખીસ્સામાંથી મોબાઈલ કિંમત રૂા.૨૦,૦૦૦ તથા રોકડ રૂા.૨૨,૦૦૦ તેમજ અન્ય આરોપીએ સાહેદપારસ ઉર્ફે સુલ્તાન પાસેથી મોબાઈલ કિંમત રૂા.૧૪,૦૦૦ મળી કુલ રૂા.૫૬,૦૦૦ની લુંટ કરી કાર લઈ નાસી છુટયાં હતાં.
જે અંગે લખતર પોલીસ મથકે બાવલો ઉર્ફે ભાવલો દેવીપુજક રહે.સાયલા તથા જયેશભાઈ પ્રવિણભાઈ પરમાર અનુ.જાતિ રહે.લીંબડી તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો મળી કુલ ૬ જેટલાં શખ્સો સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે લોકમુખે થતી ચર્ચા મુજબ ફરિયાદી તેમજ આરોપીઓ એકબીજાના સબંધી તેમજ ઈંગ્લીશ દારૂના ધંધા સાથે સંકળાયેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને બંન્ને જુથો વચ્ચે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ બાબતે મનદુઃખ થતાં મારામારી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમજ ફાયરીંગ થયાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જો કે પોલીસે સત્તાવાર રીતે ફાયરીંગની પુષ્ટી કરી નહોતી અને માત્ર રૂપિયાની લેતી-દેતી મામલે મારામારી થઈ હોવાનું જણાવ્યું હતું જ્યારે આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.