Get The App

દુધરેજ નર્મદા કેનાલમાં યુવક ડૂબી જતા ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી

- કેનાલ પાસે બાઇક જોઇ પરિવારજનો દોડી આવ્યા તરવૈયાઓ પણ યુવકને શોધવા પાણીમાં પડયા

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
દુધરેજ નર્મદા કેનાલમાં યુવક ડૂબી જતા ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી 1 - image


સુરેન્દ્રનગર, તા. 25 જૂન 2020, ગુરુવાર

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલો સહિત ડેમમાં ડુબી જવાથી અનેક લોકોના મોત નીપજ્યાં છે ત્યારે શહેરના દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક સવારથી ડુબ્યો હતો જેને શોધવા મોડીસાંજ સુધી પાલિકાની ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથધરી હતી પરંતુ યુવકનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના દુધરેજ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં સવારના સમયે એક યુવક ડુબ્યો હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળાં કેનાલ પર ઉમટી પડયાં હતાં અને આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતાં સુરેન્દ્રનગર સહિત વઢવાણ પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ડુબેલ યુવકની શોધખોળ હાથધરી હતી પરંતુ મોડી સાંજ સુધી યુવકનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. 


જ્યારે કેનાલ પાસે યુવકનું બાઈક પડયું હોવાથી પરિવારજનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં જ્યારે પોલીસ, ફાયર ફાયટરની ટીમ સહિત સ્થાનિક તરવૈયાની મદદથી યુવકની લાશની શોધખોળ હાથધરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક તપાસમાં ડુબેલ યુવક જોરાવરનગર ખાતે રહેતો હોવાનું અને કિશન મકવાણા નામ હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અવાર-નવાર દુધરેજ નર્મદા કેનાલમાં ડુબી જવાથી અનેક લોકોના મોત નીપજ્યાં છે તેમ છતાંય આ કેનાલ પર જવાબદાર તંત્ર દ્વારા સેફટી વોલ કે કોઈપણ જાતની ફેન્સીંગ રાખવામાં આવી નથી.

Tags :