સુરેન્દ્રનગર, તા. 12 જુલાઇ 2020, રવિવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં નજીવી બાબતે મારામારી અને જુથ અથડામણના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર તાલુકાના તલસાણા ગામે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે તીક્ષણ હથિયારો વડે મારામારી થતાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
લખતર તાલુકાના તલસાણા ગામે રહેતાં હસમુખભાઈ બાવલભાઈ જાંબુકીયા અને તેમના ભાઈ મહેશભાઈ બાવલભાઈ જાંબુકીયા અને મુનભાઈ જાંબુકીયા પોતાના ઘર પાસે મોટરસાયકલમાં ઓઈલ બદલાવી રહ્યાં હતાં. તે દરમ્યાન ગામમાં જ રહેતાં મનજીભાઈ દેવશીભાઈ ધાડવી, જગદીશભાઈ મનજીભાઈ ધાડવી અને નારાયણભાઈ ચીકાભાઈ ધાડવી, વિજયભાઈ બાબુભાઈ ધાડવી સહિતનાઓએ એક સંપ થઈ અગાઉ મોટરસાયકલ ભટકાડવા જેવી બાબતે થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી સોરીયું, ધોકા, લોખંડના પાઈપ જેવા સાધનો વડે હુમલો કરતાં રંભાબેન બાવલજીભાઈ જાબંકીયા ઉ.વ.અંદાજે ૬૦ તથા મુન જાંબુકીયા ઉ.વ.૨૮ અને મુકેશભાઈ જાંબુકીયા ઉ.વ.૨૬વાળાઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર અર્થે પ્રથમ લખતર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી હતી.


