જંતુનાશક દવાના બેફામ ઉપયોગથી ખેડૂતોના આરોગ્ય સામે જોખમની ભીતિ
- ઝાલાવાડ પંથકમાં વધતો ઉપયોગ
- શાકભાજી સહિતના પાકના રક્ષણ માટે ખેડૂતો આડેધડ જંતુનાશક દવાનો વધી રહેલો ઉપયોગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશક દવાનો બેફામ ઉપયોગ થાય છે. ખાસ કરીને શાકભાજીમાં જંતુનાશક દવાના બેફામ ઉપયોગથી લોકોના આરોગ્યને નુકશાન થતું હોવાનું જાણવા મળે છે કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશક દવાના ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવામાં આવે તેવી આમ જનતાની લાગણી અને માંગણી છે.
આ અંગે જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે, ખેડુતો દ્વારા શાકભાજીના વાવેતર જીવાતોથી બચાવવા માટે જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગ થાય છે. આ જંતુ નાશક દવાઓ એટલી બધી ઝેરી હોય છે કે, કેટલીક વાર ખેડુતો ખેતરમાં દવાનો છંટકાવ કરતા હોય ત્યારે તેમને ખુદને ઝેરી અસર થવાથી બેભાન થઈ જતા હોય છે. જંતુનાશક દવાવાળા વાસણમાં ભુલથી પાણી પીવે તો ખેડુતોના મોત નિપજ્યાની ઘટનાઓ પણ બનેલ છે આવી જંતુનાશક દવાઓ છાંટેલા શાકભાજી વાપરતા પહેલા સરખી રીતે ધોવાની દરકાર લોકો લેતા નથી.. તેથી ઝેરી દવાઓ પેટમાં જતા આરોગ્યને નુકશાન અને ગંભીર રોગ થવાની દહેશત રહે છે.
આરોગ્ય વિભાગ એ આ બાબતે લોકોને શાકભાજીનો ઉપયોગ સારી રીતે ધોયા પછી જ કરવા માટે જાગૃત કરવાના પ્રયાસો કરવા જોઈએ તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા ખેતી પાકો ખાસ કરીને શાકભાજીના પાક ઉપર જંતુનાશક દવા છાંટવા ઉપર નિયંત્રણો મુકવા જોઈએ. જાણકાર લોકોના કહેવા મુજબ શાકભાજીને આછા ગરમ પાણીમાં ધોયા પછી જ ઉપયોગમાં લેવા જોઈએ શાકભાજીના વેપારીઓએ પોતાના થડા ઉપર શાકભાજી સારી રીતે ધોઈને વાપરવા એ પ્રમાણે બોર્ડ મુકવા જોઈએ શાકભાજીના પાક ઉપર છંટાતી જંતુનાશક દવા લોકોના આરોગ્ય ઉપર ધીમા ઝેર જેવી અસર કરે છે તેથી સરકાર દ્વારા શાકભાજીના પાકમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરવા ઉપર નિયંત્રણો લાદવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.