રાજકોટ પંથકમાં ફોલ્ટલાઈન સક્રિય, વધુ 1 હળવો ભૂકંપ
- તા.16ના દક્ષિણ-પૂર્વે તીવ્ર પછી ઉત્તર-પૂર્વે હળવો આંચકો
- સોમવારે સવારથી રાત્રિ સુધીમાં રાજકોટ અને તલાલા પંથકમાં બે હળવા ધરતીકંપ સહિત ૧૭ વાર ધરતી ધુ્રજી
રાજકોટ, તા. 28 જુલાઇ 2020, મંગળવાર
રાજકોટમાં ગત તા.૧૬ જૂલાઈના ભાયાસર ગામ પાસે ૪.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ વિચિત્ર રીતે (આફ્ટર શોક વગર) આવ્યા બાદ ગઈકાલે મોડી સાંજે રાજકોટ નજીક પણ હવે બેટી રામપરાથી આગળ પરેવાલા ગામ પાસે ૨.૧ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપ પ્રભાવિત ઝોન-૪માં આવતા રાજકોટ પંથકમાં નવી ફોલ્ટલાઈન સક્રિય થયાનું અનુમાન થઈ રહ્યું છે.
ગત રાત્રિના પોણા આઠ વાગ્યે રાજકોટથી પૂર્વ-ઉત્તર દિશાએ ૨૩ કિ.મી.દૂર અમદાવાદ હાઈવે પર કુવાડવા-બામણબોર વચ્ચે બેટીથી જતા રસ્તા પર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૪.૧ કિ.મી.ની ઉંડાઈએ નોંધાયું છે. તો આ જ દિવસે તલાલાથી ૧૪ કિ.મી.ના અંતરે ગત રાત્રિના ૧.૧૯ વાગ્યે ૧.૯ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. જો કે આ બન્ને ધરતીકંપ હળવા હોય લોકોએ ખાસ અનુભવ્યા નથી પરંતુ, તેનાથી જમીનના પેટાળમાં હલચલ શરુ થયાના અણસાર મળ્યા છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ધરોઈ પાસે ગઈકાલે ઉપરાઉપરી બે હળવા ભૂકંપના આંચકા સાથે એક દિવસમાં જ કચ્છ સહિતના વિસ્તારોમાં ૧૭ આંચકા નોંધાયા હતા.