Gujarat

કેનાલનું પાણી ફતેવાડીમાં નખાતા ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન

By GS Team
18 Jul 20201 min read
This article was originally published on 18 Jul 2020
કેનાલનું પાણી ફતેવાડીમાં નખાતા ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન

બગોદરા, તા. 18 જુલાઇ 2020, શનિવાર

અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા અને બગોદરા તાલુકામાંથી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલ પસાર થાય છે ત્યારે ધોળકા તાલુકાના લાણા ગામની આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતાં ખેડુતોને મોટાપાયે નુકશાની પહોંચી હતી અને જવાબદાર તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા તાલુકાના લાણા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી ફતેવાડીમાં નાંખવામાં આવતાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેડુતોએ મહામહેનતે કરેલ ડાંગર સહિતના પાકોને મોટાપાયે નુકશાની પહોંચી હતી અને કેનાલનાં પાણીમાં પાક ડુબી જતાં ખેડુતોને હાલાકી તેમજ બીજીવાર રોપણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. 

હાલ એક તરફ કોરોનાની મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે બીજી બાજુ કેનાલોના પાણી ફરી વળતાં ખેડુતોની હાલત કફોડી બની છે જે અંગે અનેક વખત ખેડુતોએ નર્મદા વિભાગ સહિત જવાબદાર તંત્રને લેખીત અને મૌખિક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલીક આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.