દુધરેજ કેનાલ સાફ કરીને ધોળીધજા ડેમમાં પાણીની આવક શરૂ કરાઈ
- જંતુનાશક દવાની બોટલોનો જથ્થો ફેંકાયો હોવાની ઘટના બાદ
- પાણી દૂષિત થવાથી જાહેર આરોગ્યને અસર ન થાય તે માટે કલેક્ટરે પંપીંગ સ્ટેશન બંધ કરાવ્યુ હતું
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના મુળચંદ-બાળા ગામ પાસેથી નર્મદા કેનાલ સાફ કરીને બે દિવસથી બંધ કરાયેલા પમ્પીંગ સ્ટેશનો ચાલુ કરી ધોળીધજાની ડેમમાં પાણીનો પ્રવાહ ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે વિગત એવી છેકે,બે દિવસ અગાઉ મુળચંદ-બાળ પાસેથી દુધરેજ નર્મદા કેનાલમાં કોઈ અજાણ્યા તત્વોએ પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવાની બોટલોનો જથ્થો ફેંકવામાં આવ્યો હતો.
ત્યારે કેટલીક બોટલો ફૂટી જવાથી પાણીનો કલર બદલાઇ ગયો હતો અને પાણી દૂષિત થવાથી જાહેર આરોગ્યને નુકશાન થવાની દહેશત સર્જાઇ હતી. તેથી જીલ્લા કલેક્ટર દ્વારા પમ્પીંગ સ્ટેશનો બંધ કરાવીને ડેમમાં આવતા કેનાલના પાણીને અટકાવી દેવાયુ હતું.
આ ઉપરાંત સુરેન્દ્રનગર ફાયર વિભાગ તથા અન્ય તંત્રએ કેનાલમાંથી જંતુનાશક દવાની બોટલો હટાવી લઈને પ્રદુષિત પાણી પંપ દ્વારા ખેચી લેવામાં આવ્યુ હતું. આમ કેનાલની સંપુર્ણ સફાઈ થયા બાદ રવિવારે દુધરેજ કેનાલમાંથી પાણી વહેતુ કરીને પમ્પીંગ સ્ટેશન ચાલુ કરી ડેમમાં પાણીની આવક શરૂ કરવામાં આવી હતી.