Get The App

પાટડી, બજાણા, ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીની તંગી

Updated: May 1st, 2023

GS TEAM

Google News
Google News
પાટડી, બજાણા, ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીની તંગી 1 - image

- પોતાના ખર્ચે પાણીના જગ મંગાવવા મજબૂર

- પાણીના કુલરની પણ વ્યવસ્થા નથી, પોલીસ સ્ટેશને આવતા અરજદારો પણ પરેશાન

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના પાટડી, બજાણા, ઝીંઝુવાડા પોલીસ મથકે પીવાના પાણીની સ્થાયી વ્યવસ્થા ન હોવાના કારણે પોલીસ જવાન પીવાના પાણી માટે જગ ખરીદી તરસ છીપાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના ત્રણ પોલીસ મથક ખાતે પીવાના પાણીના કુલર ન હોવાના કારણે પોલીસ મથક ખાતે વેચાણથી પીવાના પાણીના જગ લાવવામાં આવતા હોવાનું જાણવા મળે છે. ક્યારેક જગમાં પાણી પુરૂ થઇ જતા પાણી માટે રાહ જોવાનો વારો પણ આવતો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

 વર્ષોથી બનેલા આ પોલીસ મથક ખાતે આજદીન સુધી પીવાના પાણી માટે કુલરની વ્યવસ્થા ઉભી કરાઇ નથી. પોલીસ મથકે દિવસ દરમ્યાન પાંચથી વધુ પીવાના પાણીના જગ બહારથી લાવવા પડી રહ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. એક જગ પીવાના પાણીની કિંમત અંદાજે ૨૦ રૂપિયા હોય છે એથી એક વર્ષમાં મોટી રકમ પોલીસ મથક દીઠ પીવાના પાણીમા વપરાઇ રહી છે. પોલીસ મથકે પ્રજાજનો કાર્યક્રમમાં હાજરી આપે ત્યારે ક્યારેક પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે તેમ પણ જાણવા મળી રહ્યુ છે. કચ્છના નાના રણને સીમાડે આવેલ દસાડા તાલુકામા ગરમીનું પ્રમાણ પણ વધુ હોય છે તો એથી ઉનાળામાં સામાન્ય દિવસો કરતા પાણીનો ઉપયોગ વધી જતો હોય છે ત્યારે પીવાના પાણી માટે જગ પર નિર્ભર પોલીસ મથકે કુલરની વ્યવસ્થા ઉભી થાય તે જરૂરી બની રહ્યુ છે.