અંડરબ્રિજની કામગીરીના કારણે ખેડૂતોને અવરજવરમાં તકલીફ
- ધ્રાંગધ્રા તાલુકાની જેગડવા ચોકડી પાસે
- ખેડૂતોને ટ્રેક્ટરમાં પાક લઈ જવાની મુશ્કેલી : કામ નબળું હોવાની પણ રાવ
ધ્રાંગધ્રા, તા.29 જુલાઇ 2020, બુધવાર
ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ચોકડી પાસે બની રહેલા રેલ્વેના અંડરબ્રીજની કામગીરીને કારણે આસપાસના ખેડુતોને હાલાકી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને અંડરબ્રીજની કામગીરી યોગ્ય અને ઉચ્ચગુણવત્તાની કરવામાં આવે તેવી ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે.
ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ચોકડી પાસે હાલ રેલ્વેના અંડરબ્રીજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ અંડરબ્રીજમાંથી આસપાસનાં ખેડુતોને અહિં થતો મુખ્ય પાક એટલે કે ટ્રેકટરમાં કપાસ ભરીને પસાર થવું હોય તો પણ નીકળી શકે તેમ નથી. જ્યારે અંડરબ્રીજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે અને વરસાદ દરમ્યાન આ બ્રીજમાં પાણી ભરાઈ જવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. કારણ કે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી. આથી ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસ કરી અંડરબ્રીજનું કામ ઉચ્ચગુણવત્તાવાળું અને ખેડુતો સહેલાથી પોતાના વાહનો સાથે નીકળી શકે તેમજ પાણી ન ભરાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે.