Get The App

સુરેન્દ્રનગરની ગાંધી સરકારી હોસ્પીટલમાં 18 ડોક્ટરોની ખાલી જગ્યા પુરવા માંગ

Updated: Oct 22nd, 2022

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરની ગાંધી સરકારી હોસ્પીટલમાં 18 ડોક્ટરોની ખાલી જગ્યા પુરવા માંગ 1 - image

- આરોગ્ય સેવામાં સરકારી તંત્રની ભારે ઢીલાસ, પ્રજાજનો પરેશાન

- સારવાર માટે આવતા દર્દીઓને ભોગવવી પડતી હાલાકી, નિષ્ણાત ડૉક્ટરોની તંગીથી હાલાકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં કોઠારીયા રોડ ઉપર રૂા.૧૩૬ કરોડના ખર્ચે નવી બનનાર આયુર્વેદીક કોલેજ એન્ડ હોસ્પીટલનું તાજેતરમાં ખાતમુહુર્ત કરવામાં આવતા શહેરીજનોમાંથી સવાલો ઉઠી રહ્યા છે. લોકો કહે છેકે,સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં ૧૮ જેટલા નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. તે સરકાર દ્વારા ભરાતી નથી. તો નવી સરકારી હોસ્પીટલ બનાવતા પહેલા મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ખાલી જગ્યાઓ વહેલીતકે ભરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે. 

આ અંગે જાણવા મળતી વિગત એવી છેકે, જીલ્લા મથક સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં નિષ્ણાંત ડોક્ટરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ગાંધી હોસ્પીટલમાં વર્ગ-૧ના કાયમી એક અને હંગામી ત્રીસ મળીને કુલ ૩૧ નિષ્ણાંત ડોક્ટરોનું મહેકમછે. તેની સામે હાલ ૧૮ નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ઉપરાંત સી.ડી.એમ.ઓ.ની જગ્યા તા.૧/૬/૨૦૧૩થી એટલે કે નવ વર્ષથી ખાલી છે. બાળ રોગ નિષ્ણાંતની ત્રણ જગ્યા છે ત્રણે ત્રણ જગ્યા હાલ ખાલી છે. આંખના સર્જન, ગાયનેકોલોજીસ્ટ, પુર્ણકાલીન સર્જન,ઓર્થોપેડીક સર્જન, ફિજીશીયન, ઈ.એન્ડ.ટી સર્જન, સહીત કુલ ૧૮ ડોક્ટરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાનું જાણવા મળે છે. 

શહેરી વિસ્તાર કે ગામડાઓમાંથી સામાન્ય સ્થિતીના પરિવારના દર્દીઓ અહિં સારવાર માટે આવે તો ડોક્ટરોના અભાવે તેમને ખાનગી દવાખાનામાં મોંઘીદાટ સારવાર લેવા મજબુર થવું પડે છે. તેથી ગાંધી હોસ્પીટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા ભરવા માટે અવારનવાર રજુઆતો થવા છતાં સરકાર દ્વારા ખાલી જગ્યા ભરવાની દરકાર લેવામાં આવતી નથી. વ્યવસાયે ડોક્ટર એવા સુરેન્દ્રનગરના સાસંદ અને કેન્દ્રના આયુષમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ રૂા.૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર આયુર્વેદીક હોસ્પીટલ એન્ડ કોલેજનું ભુમિપુજન કરેલ છે. 

ત્યારે લોકો કહે છેકે, સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલમાં પુરતા ડોક્ટરો નથી આપી શક્તી તે સરકાર આયુષ હોસ્પીટલ માં પુરતા ડોક્ટરો ક્યાંથી આપશે? કેન્દ્રીયમંત્રી ડો.મુંજપરાને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ખાલી જગ્યા ઉપર નિમણુક કરવા જોઈએ કે નહી...? 

ગાંધી હોસ્પીટલની જેમ નવી બનનાર આયુર્વેદીક કોલેજ એન્ડ હોસ્પીટલ પણ ડોક્ટરોના અભાવે શોભાના ગાંઠીયા જેવી બની જશે તો? આવા અનેક સવાલો લોકમાનસમાં ઉઠી રહ્યા છે. ડો. મુંજપરાએ સુરેન્દ્રનગરમાં આયુર્વેદીક હોસ્પી.ના નિર્માણ માટે પ્રતિબધ્ધતા દાખવેલ છે. ગાંધી હોસ્પીટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા ઉપર નિમણુકો થાય તે માટે પણ પ્રતિબધ્ધતા દાખવે તેવી લાગણી અને માંગણી છે.