સુરેન્દ્રનગરમાં ગેટ સ્ટેશનથી આગળના વિસ્તારમાં રેલ્વે અન્ડરપાસ બનાવવા માગ
- આસપાસના વિસ્તારની સોસાયટીના રહિશોને પડતી હાલાકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા રેલવે કોલોની, નુરેમહંમદી સોસાયટી,વિવેકાનંદ ૩ સોસા સહિતના વિસ્તારોમાથી લોકોને એંસીફુટ રોડ જવા માટે કુંથુનાથ દેરાસર ચોક થઈને. ઓવરબ્રિજ ઉપર ફરી ફરીને જવુ પડે છે. તેથી આ વિસ્તારોમાંથી વિમલનાથ સોસા.થઈને એંસીફુટ રોડ જઈ શકાય તેવો અંડરબ્રિજ બનાવવાની માંગ ઉઠી રહી છે.
સમસ્યા ઉકેલાય તો એંસી ફુટ રોડ જવાનું સરળ અને ટુંકી પણ બને ઃ સાંસદને પણ રજુઆત કરાશે
આ અંગેની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર ગેટસ્ટેશનથી આગળ જતા ધ્રાંગધ્રા રેલવેકોલોની, નુરેમહંમદી સોસાયટી, વિવેકાનંદ-૩ સોસાયટી સહિતના અનેક વિસ્તારો આવેલા છે. આ વિસ્તારના રહિશોને એંસીફુટ રોડ ઉપર જવું હોય તો કુંથુનાથ દેરાસર થઈને ઓવરિબ્રજ ઉપર થઈ ફરીફરીને જવું પડે છે જેમાં રીક્ષાભાડા વધે છે, અને પોતાના વાહન હોય તો ઈંધણ વધુ વપરાય છે તેમજ સમયનો પણ દુર્વ્યય થાય છે. જ્યારે આ વિસ્તારોમાંથી વિમલનાથ સોસાયટીને જોડતો અંડરબ્રિજ બનાવવામાં આવે તો એંસીફુટ રોડ જવાનું ઘણું સરળ બની જાય તેમ છે. અને આ ટુંકા રસ્તે જવાથી ઈંધણની પણ બચત થાય તેમ છે
આ અંગે સાંસદ ડો.મુંજપરા તથા નગરપાલીકાના તંત્રવાહકો સહિયારા પ્રયાસો કરીને અંડરબ્રિજ મંજુર કરાવે તેવી આ વિસ્તારના રહિશોની લાગણી અને માંગણી છે.