ગેસ ગળતરથી ચાર શ્રમિકોનાં મોતમાં સહાય ચુકવવા માગણી
- ધોળકા તાલુકાના સીમેજ ધોળી ગામે
- શ્રમિક વિકાસ સંગઠનના પ્રદેશ પ્રમુખે પરિવારોને ૨૫ લાખ મળે તે માટે મામલતદારને જણાવ્યું
બગોદરા, તા. 22 જુલાઇ 2020, બુધવાર
ધોળકા તાલુકાના સીમેજમાં ધોળી ગામ ખાતે થોડા દિવસો પહેલા ખાનગી કંપનીમાં ઝેરી ગેસની ગુંગળામણથી ચાર શ્રમીકોના મોત નીપજ્યાં હતાં. જે બનાવને પગલે તમામ શ્રમીકોને પરિવારોને આર્થિક સહાય કરવા અને ન્યાયીક તપાસ કરવાની માંગ સાથે શ્રમીક વિકાસ સંગઠન ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા ધોળકા મામલતદારને લેખીત રજુઆત કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ ધોળકા તાલુકાના સીમેજ ધોળી ગામે આવેલ ચીરીપાલ કંપનીમાં થોડા દિવસો પહેલા ઝેરી ગેસની ગંગળામણથી ચાર જેટલાં શ્રમીકોના મોત નીપજ્યાં હતાં. ત્યારે આ દુઃખદ ઘટનાને પગલે શ્રમીક વિકાસ સંગઠન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉમેદસિંહ ચાવડા દ્વારા તમામ મૃતક મજુરોના પરિવારોને કંપની દ્વારા ૨૫ લાખ દરેક પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તથા જવાબદાર તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા સહિતની માંગો સાથે મામલતદાર હાર્દિક ડામોરને આવેદન પત્ર પાઠવ્યું હતું.