ધોળી ધજા ડેમની પાળીની આસપાસ રેતી ઉલેચાતા તોળાતો ખતરો
- નર્મદાના રીઝર્વોયર ડેમને લાંબાગાળે નુકસાન થવાનું જોખમ
- ખનીજ માફિયાઓ રેતી કાઢતા હોવાની ચર્ચા જવાબદાર તંત્રના પેટનું પાણી હલતુ જ નથી
સુરેન્દ્રનગર વાસીઓને પીવાનું પાણી પુરૂ પાડતા ધોળીબજા ડેમની પાળી આસપાસની જમીનમાંથી વ્યાપક પ્રમાણમાં ખોદકામ કરીને ગેરકાયદે રેતીચોરી થતી હોવાથી ડેમની પાળી આસપાસની જમીનમા પોલાણ થતુ જતુ હોવાથી ભવિષ્યમાં ડેમ તૂટવાની અને શહેરની અઢી લાખથી વધુ વસ્તી ઉપર જોખમ ઉભુ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
સુરેેેેન્દ્રનગર-વઢવાણના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતો અને સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું પાણીયારૂ (રીઝર્વોયર) બનેલો શહેરનો ધોળીધજા ડેમ ૧૯૫૯માં તે સમયની વસ્તીને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામા આવ્યો હતો. સુરેન્દ્રનગર-વઢવાણ-રતનપર-જોરાવરનગરની વસ્તીને પાણી પુરૂ પાડવાનો એકમાત્ર સ્ત્રોત એવા ધોળીધજા ડેમ મારફત નર્મદા કેનાલનું પાણી સૌરાષ્ટ્રના વિવિધ રહેશોમાં પહોંચાડવામા આવે છે. આ ડેમની પાળી આસપાસની જમીનમાં ગેરકાયદે ખોદકામ થઈ રહ્યુ હોવાની ચોંકાવનારી બાબત ચર્ચાનો વિષય બની છે કેટલાક તત્વો દ્વારા ડેમની પાળ નજીક આસપાસના વિસ્તારોની જમીનમાં ખોદકામ કરી રેતી ચોરી કરવામાં આવતી હોવાનું ચર્ચાય છે. કેટલીક જગ્યાએ ઉંડે સુધી ખોદકામ થયાનુ પણ ચર્ચાય છે આવા ગેરકાયદે ખોદકામ પ્રવૃતિને કારણે જમીન પોલી થવાની અને ભવિષ્યમાં ડેમ તૂટવા જેવી દુર્ઘટના સર્જાવાની શકયતા વ્યકત થાય છે.
સુરેન્દ્રનગર ખાતે આવેલા જિલ્લા કક્ષાની ખાણખનીજ ખાતાની કચેરી, પોલીસતંત્ર, રેવન્યુ વિભાગ સહીતના તંત્ર વાહકોને આવી ગેરકાયદે પ્રવૃતિની જાણ નહી હોય.? કે પછી આંખ આડા કાન કરવામા આવે છે ? તેવા સવાલો જાણકારોમા વ્યકત થઈ રહ્યા છે.અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ડેમની આસપાસના નિર્જન વિસ્તારોમાં દારૂ-જુગાર-જેવી અનૈતિક પ્રવૃતિઓ પણ થતી હોવાની ફરીયાદો ઉઠી છે પોલીસતંત્ર દ્વારા આ ફરીયાદો પ્રત્યે આંખ આડા કાન થતા હોવાનું કહેવાય છે આ બાબતની ગંભીર પણ નોંધ લઈ ઉચ્ચ કક્ષાએથી સુરેન્દ્રનગર વાસીઓના હિતમાં રેતીચોરી સહિતની તમામ ગેરકાયદે પ્રવૃતિ બંધ થાય તેવા પગલા લેવામા આવે તેવી લાગણી અને માંગણી વ્યકત થઈ રહી છે.
૧૯૫૯માં તે સમયની વસ્તી મુજબ ધોળીધજા ડેમનું નિર્માણ થયુ હતું
સુરેન્દ્રનગરનાં ધોળીધજા ડેમનું નિર્માણ ૧૯૫૯માં તે સમયની વસ્તીને ધ્યાનમા રાખીને કરવામાં આવ્યુ હતુ હાલમાં આ ડેમ સૌરાષ્ટ્રનુ પાણિયારૂ બન્યો છે નર્મદાના નીરથી ભરેલો રહે છે અને કેનાલો મારફત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પાણ પહોંચાડવામાં આવે છે. નર્મદાના રીઝર્વોયર ડેમ ગણાતા ધોળીધજા ડેમ આસપાસ થતી ગેરકાયદે પ્રવૃતિ અટકાવવી જરૂરી છે.