સાણંદ તાલુકામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ : વધુ નવા 8 પોઝિટિવ કેસ
- શહેર-તાલુકામાં દર્દીઓનો કુલ આંક 216 થયો
સાણંદ, તા. 10 જુલાઈ 2020, શુક્રવાર
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં કિલર કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. ત્યારે શુક્રવારે તાલુકામાં વધુ આઠ પોઝિટિવ કેસ નોંધાતા લોકો ફફડી ઉઠયા છે. જેમાં સાણંદ શહેરમાં કોરોનાના એક સાથે પાંચ કેસ અને તાલુકાના શાંતિપુરા, મૌરેયા નિધરાડમાં એક એક કેસ નોંધાયો હતો આમ તાલુકામાં કુલ દર્દીઓનો આંક ૨૧૬ થયો છે.
સાણંદ તાલુકામા કોરોનાનું વધતું સંક્રમણ વધતું જાય છે આજે આઠ કેસ સાથે કુલ સંખ્યા ૨૧૬ થઇ છે. આરોગ્ય સૂત્રોએ જણાવ્યું કે સાણંદ શહેરમાં આવેલ ગ્રીન રેસીડેન્સી ખાતે વિભાગ ડી-૧માં રહેતા ૫૫ આધેડ પુરુષ, ૫૨ વર્ષીય આધેડ મહિલા તેમજ ૨૩ અને ૨૪ વર્ષીય બે યુવકનોને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાણંદ નળ સરોવર રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના અંબિકા ફ્લેટમાં ૩૭ વર્ષીય યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, સાણંદ શહેરમાં એક જ દિવસમાં ૫ કેસો પોઝિટિવ નોંધાયા છે. જ્યારે સાણંદ તાલુકાના શાંતિપુરા ગામે મોમીન વાસમાં ૪૩ વર્ષીય પુરુષ, મોરૈયા ગામે આવેલ જય લખુ કોમ્પ્લેક્ષમાં યુવક તેમજ નિધરાડના આંગન વીલામાં રહેતા ૫૩ વર્ષીય આધેડ પુરુષને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.