ધોળકાના તબીબ સહિત 6 વ્યક્તિને કોરોના
- તાલુકામાં કોરોનાના દરદીઓનો આંક 83 થયો
બગોદરા, તા.31 મે 2020, રવિવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા અને બાવળા તાલુકામાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને દરરોજ કોરોના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકામાં વધુ છ પોઝીટીવ કેસો નોંધાતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે અને જિલ્લાના ધોળકા, બાવળા સહિતના તાલુકાઓમાં કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે ધોળકામાં વધુ છ પોઝીટીવ કેસો સામે આવ્યાં હતાં તેમજ ધોળકા શહેરમાં ખાનગી દવાખાનું ચલાવતાં ડોકટર નટુભાઈ શાહને કોરોના પોઝીટીવ આવ્યો હતો તેમજ મહાલક્ષ્મી માતાજીની પોળમાં રહેતાં એક આરોગ્ય કર્મી અને કાગસીયાવાડમાં રહેતાં ૩૫ વર્ષિય પુરુષ તેમજ ગ્રામ્ય વિસ્તારના ભૂભલી ગામે રહેતી મહિલા સહિત ટપરપરા ગામે એક પોઝીટીવ કેસ નોંધાયો હતો આ ઉપરાંત ચંડીસર ગામે રહેતાં અને મટોળા ગામે આવેલ ઈન્ટાસ કંપનીમાં કામ કરતાં ગણપતભાઈ સોનારાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ઈન્ટાસ કંપનીમાં ૬ થી વધુ કર્મચારીઓ કોરોના વાયરસનો ભોગ બન્યાં છે તેમાં બોપલમાં એક, સાણંદના મોડાસર ગામે બે, ધંધુકાના ખરડ ગામે એક, ખેડાના રસીકપુરા ગામે એક અને ચંડીસર ગામે એક કેસનો સમાવેશ થાય છે. ત્યારે બાકીના કર્મચારીઓને સાણંદ આરોગ્ય વિભાગ દ્વારા કોરોન્ટાઈન કરી ઓનકો પ્લાન્ટને સીલ મારી બંધ કરી દેવામાં આવ્યો હતો આ પ્લાન્ટમાં ૧૦૦ જેટલાં કર્મચારીઓ કામ કરતાં હતાં. આમ ધોળકા તાલુકામાં ત્રણ જેટલાં કોરોના વાયરસના નવાં કેસો નોંધાતાં લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે ધોળકા તાલુકામાં કોરોના દર્દીઓનો કુલ આંક ૮૩ ઉપર પહોંચ્યો હતો.