Gujarat

બાવળા બાદ ધોળકા તાલુકામાં કોરાના વિસ્ફોટ : એક સાથે 11 કેસ નોંધાયા

By GS Team
5 Jun 20202 mins read
This article was originally published on 5 Jun 2020
બાવળા બાદ ધોળકા તાલુકામાં કોરાના વિસ્ફોટ : એક સાથે 11 કેસ નોંધાયા

બગોદરા, તા.04 જૂન 2020, ગુરુવાર

અમદાવાદ જિલ્લાના શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જેમાં ધોળકા તાલુકામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત નોંધાઈ રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકામાં વધુ ૧૧ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

જેમાં શહેરી વિસ્તારમાં ૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં જેમાં ત્રીપદા સોસાયટી, રબારીવાસ, ખાડીયા મસ્જીદ, ગડીકવાડ, અયોધ્યા સોસાયટી અને કસાઈવાડા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં કસાઈવાડા વિસ્તારનો પોઝીટીવ દર્દીને તાજેતરમાં ધોળકા ટાઉન પોલીસે ગેરકાયદેસર ગૌમાસના જથ્થા સાથે ઝડપી પાડયો હતો જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

આ ઉપરાંત ધોળકા તાલુકાના સરોડામાં-૧, ચંડીસરમાં-૩, જલાલપુર વજીફામાં-૧ મળી કુલ પાંચ કેસો નોંધાયા હતાં જ્યારે એક જ દિવસમાં ધોળકા તાલુકામાં ૧૧ કેસો નોંધાતાં લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને ધોળકા તાલુકાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૧૦૦ ઉપર પહોંચ્યો હતો.

લીંબડી શહેરના આધેડ કોરાનામાં સપડાયા બાદ મોત નિપજ્યું

શંકાસ્પદ લક્ષણો જણાયા બાદ સારવાર અર્થે ખસેડાતા દમ તોડયો : મૃત્યુઆંક બે

લીંબડી શહેરના વોરાવાડ વિસ્તારમાં રહેતાં આધેડ હુશેનભાઈ ત્રીવેદી ઉ.વ.૫૬વાળાની ત્રણ દિવસ પહેલા તબીયત લથડી હતી જેમાં તેમને તાવ, શરદી અને છાતીમાં દુખાવો થતાં પરિવારજનો દ્વારા સારવાર અર્થે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. 

પરંતુ સારવાર દરમ્યાન શ્વાસ લેવામાં તકલીફ પડતાં અને ટેમ્પરેચરમાં વધારો થતાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો હોવાનું જણાઈ આવતાં ખાનગી હોસ્પીટલનાં ડોકટરોએ શહેરની સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવાનું જણાવતાં આધેડ દર્દી હોસ્પીટલે પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું.

જ્યારે ત્યારબાદ દર્દીનો રીપોર્ટ કરાવતાં કોરોના પોઝીટીવ આવ્યો હતો આમ લીંબડી શહેરનાં આધેડનું કોરોનાથી મોત નીપજ્યું હતું અને નગરપાલિકાના હેલ્થ ઈનસ્પેકટર જગદીશભાઈ પરમાર તેમજ સ્ટાફ દ્વારા વોરાવાડ વિસ્તારમાં સેનેટાઈઝેશનની કામગીરી હાથધરવામાં આવી હતી જિલ્લાનો કોરોનાથી મૃત્યું આંક-૨ ઉપર પહોંચ્યો હતો.