જમીનના વિવાદમાં સામસામે હુમલા થતા કાકા-ભત્રીજાની કરપીણ હત્યાથી ચકચાર
- ચોટીલા તાલુકાના ખડગુંદા ગામે ડબલ મર્ડર
- એક પક્ષે હુમલો કરતા કાકાનું અને બીજા પક્ષે હુમલો કરતા ભત્રીજાનું મોત નીપજતા બંને પક્ષોની ફરિયાદો
ચોટીલા, તા.02 જુલાઈ 2020, ગુરુવાર
ચોટીલા પંથકનાં નાની મોલડી પોલીસ મથક વિસ્તારના ખડ ગુંદા ગામે પલાળીયા કોળી પરિવારના ખેતરના રસ્તા શેઢાના મનદુ:ખની તકરારમાં મારામારી સર્જાતા સગા કાકા ભત્રીજાની હત્યા નિપજતા ડબલ મર્ડરનો બનાવ બનતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.
જાણવા મળતી વિગત મુજબ ચોટીલા ગુંદા ગામે સવારનાં ૧૧ વાગ્યાના અરસામાં વાડી વિસ્તારમાં ૬૫ વર્ષનાં કુંવરજી (કુરજી) નરસીભાઈ પલાળીયા અને જ્યંતીભાઈ કુવરજીભાઈ સાથે રમેશ સગરામભાઈ, હરેશ સગરામભાઈ અને ગીતાબેન હરેશભાઈ માથાકૂટ કરી કુહાડી ધારીયા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરતા કુંવરજીભાઇને ગંભીર ઇજા પહોંચાડતા તેઓની હત્યા નિપજતા આરોપીઓ મૃતકના સગા ભત્રીજા થાય છે.
ઘટનાની જાણ થતાં નજીકમાં જ રહેતા ભોગ બનનારનાં પરિવારજનો કરશનભાઈ કુંવરજીભાઈ, જ્યંતીભાઈ કુંવરજીભાઈ, વીરમજીભાઈ નરસીંભાઈ, દેવરાજ વિરજીભાઈ, અશ્વિન કરશનભાઈ સહિતનાં પણ કુહાડી, ધારીયા, પાઇપ જેવા હથિયારો પિતરાઇ ભાઇ રમેશ સગરામભાઈ અને હરેશ સગરામભાઈ ઉપર તૂટી પડતા રમેશભાઈને માથાના ભાગે શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ચોટીલા લાવવામાં આવેલ જેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા ત્યાં તેઓને મૃત્યુ પામેલ ડૉક્ટરે જાહેર કરતા ઝઘડો ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો.
ઘટનાની જાણ થતાં મોટી મોલડી પોલીસ સ્ટેશનનાં આણંદપુર ઓપીનાં પીએસઆઇ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ જ્યારે થાણા અમલદાર બી.ડી. ચૌહાણ ડબલ મર્ડર અંગે બંને પક્ષની ફરિયાદ માટે રાજકોટ હોસ્પિટલ દોડી ગયેલ હતાં.
વડીલો પાર્જિત મિલકતનું મનદુ:ખ બે હત્યાનું નિમિત્ત
કહેવત છે કે જર જમીન અને જોરૂ ત્રણેય કજીયાનાં છોરૂ તેમ ગુંદા ગામના પલાળીયા પરિવારનાં સગા કાકા ભત્રીજાના મોતના લોહીયાળ ઝઘડા પાછળ ડોશીમાંના અવસાન બાદ કરાળ વિસ્તારમાં આવેલ જીવાઇનાં ખેતરના પડેલ ભાગમાં આવેલ વધતા ઓછા પ્રમાણને લઇને એક જ પરિવારનાં ભાઈઓ વચ્ચે મનદુ:ખ ચાલતું જે બાબતે આજે અથડામણ થતાં એક જ પરિવારના બેના લોથ ઢળી ગયા હતાં.
નાનકડા ગામમાં ચુસ્ત બંદોબસ્ત
નાનકડા એવા ગામના સીમાડે ખેતરમાં બનેલ મર્ડરનો બનાવ બનતા ગામમાં સ્તબ્ધતા છવાયેલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે ડબલ મર્ડરમાં બંને મૃતદેહના રાજકોટ ખાતે પીએમ કરાવી બંને પક્ષની ફરિયાદલઈ હત્યા અંગે તપાસ હાથ ધરી છે તો આ ઘટનામાં ત્રણ લોકોને ઇજા પહોંચી છે. હાલ સમગ્ર પંથકમાં જમીનના ઝઘડામાં કાકા ભત્રીજાની હત્યાના બનાવને લઈને ચકચાર મચેલ છે.