Get The App

ઉપરવાસના વરસાદથી ચોટીલાનો ત્રિવેણી-ઠાંગા ડેમ અને નર્મદાના પાણીથી ધોળીધજા ડેમ ઓવરફલો

Updated: Sep 13th, 2022

GS TEAM


Google News
Google News
ઉપરવાસના વરસાદથી ચોટીલાનો ત્રિવેણી-ઠાંગા ડેમ અને નર્મદાના પાણીથી ધોળીધજા ડેમ ઓવરફલો 1 - image


- ધોળીધજા ડેમ ડેમ 99.14 ટકા અને ઠાંગા ડેમ 100 ટકા ભરાઈ ગયો 

- તકેદારીના ભાગરૂપે જિલ્લા પંચાયતથી રાજકોટ રોડને જોડતો કોઝવે બંધ કરવાની તંત્રને ફરજ પડી : નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવા તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી : બે કાંઠે વહેતી ભોગાવો નદીને જોવાલોકો રિવરફ્રન્ટ ઉપર ઉમટી પડયા 

સુરેન્દ્રનગર : ચાલુ વર્ષે મેઘરાજાએ બરાબરની મહેર વરસાવતા સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સિઝનમાં પ્રથમવાર અને ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ સિઝનમાં ત્રીજીવાર ઓવરફલો થયો છે. વહિવટી તંત્ર દ્વારા આ બન્ને ડેમના નિચાણવાળા વિસ્તારોમાં લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવધ રહેવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્નગરમાં જિલ્લા પંચાયતથી રાજકોટ રોડને જોડતો ભોગાવા ઉપરનો કોઝવે પાણી આવતા તકેદારીના ભાગરૂપે બંધ કરવાની તંત્રને ફરજ પડી છે.

 સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં નર્મદાના પાણીની પુષ્કળ આવક થતા ડેમ સંપુર્ણ ભરાઈ ગયો છે. હાલની ડેમની સપાટી ૮૦.૪૨ મી. છે જે ૯૯.૧૪ ટકા ભરાઈ ગયો છે. ફલડ સેલ-ધોળીધજા ડેમ દ્વારા ડેમમાં પાણીનું લેવલ મેન્ટેઈન કરવા માટે પાણી છોડવામાં આવતા ડેમ ઓવરફલો થયો છે અને સલામતીના કારણો સર જિલ્લા પંચાયત પાસેનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે. લોકોને ટાવર પાસેના પુલ ઉપરથી અવરજવર કરવા સુચના અપાઇ છે. તેમજ સુરેન્દ્નગર શહેર, જોરાવરનગર, રતનપર, વઢવાણ તથા ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા, લીંબડીના શિયાણી, નટવરગઢ, દોલતપર, રામરાજપર, જાંબુ, પરનાળા, સહિતના ગામોમાં લોકોને નદીના પટમાં પશુઓની અવરજવર બંધ કરવા તેમજ માલ મિલકત ખસેડી લેવા તાકીદ કરાઇ છે. બે કાંઠે વહેતી ભોગાવો નદીને જોવાલોકો રિવરફ્રન્ટ ઉપર ઉમટી પડયા હતા.

આ ઉપરાંત ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ પણ ત્રીજી વાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઠાંગા ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. અને ૦.૧૦ મીટરથી ઓવરફલો થઈ રહ્યો  છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોટીલા તાલુકામાં રવિવારે અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થવાને પગલે નિચાણવાળા વિસતારોમાં આવતા રામપરા (રાજ), ખાટડી, શેખલીયા,મેવાસા, લોમાકોટડી, ગામના લોકોને નદીમાંથી ઢોર ખસેડી લેવા અને અવર-જવર ન કરવા તાકીદ કરાઇ છે.

ત્રણ જળાશયો સાવ તળિયા ઝાટક

સુરેન્દ્રનગર જિલ્લાના અગિયાર પૈકી બે ડેમો આજે ઓવરફલો થઇ ગયા છે. જ્યારે અન્ય નવ જળાશયો પૈકી નિંભણી અને મોરસલ ડેમમાં ચોમાસા દરમિયાન નવા પાણીની આવક નહીં થતા સાવ ખાલી  છે. જ્યારે સબુરી ડેમમાં ૦.૪ લેવલે ફકત ડેડવોટર છે. નાયકા ડેમ, ધારી ડેમ અને વાંસલ ડેમ તથા થોરીયાળી ડેમમાં પણ નવા પાણીની નહિવત આવક થતા સાવ થોડુ પાણી સંગ્રહ થયુ છે.

Tags :