Get The App

પાટડીની બજાણા પે સેન્ટર શાળામાં ત્રણ મહિનાથી બાળકો પાણીથી વંચિત

- રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજના કાગળ પર

- વિદ્યાર્થીઓને પીવા માટે ઘરેથી અથવા બહારથી પાણી લેવાની મજબૂરી

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
પાટડીની બજાણા પે સેન્ટર શાળામાં ત્રણ મહિનાથી બાળકો પાણીથી વંચિત 1 - image


પાટડી તા.20 જાન્યુઆરી 2020, સોમવાર

રાજ્ય સરકાર દ્વારા એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઉચું લાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે પરંતુ બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં બાળકોને પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનું બહાર આવ્યું છે ત્યારે પાટડી તાલુકાના બજાણામાં આવેલ પે-સેન્ટર શાળામાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી ન આવતાં બાળકોને ઘેરથી અથવા બહારથી પીણાના પાઉચ ખરીદવાનો વારો આવી રહ્યો છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના બજાણા ખાતે આવેલ પે-સેન્ટર શાળામાં ધોરણ-૧ થી ૫ ના અંદાજે ૨૧૯ જેટલાં બાળકો અભ્યાસ કરે છે પરંતુ આ શાળામાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી આવતું જ નથી શાળામાં દાતાઓ દ્વારા વોટરકુલર આપવામાં આવ્યું છે તેમજ પીવાના પાણીની ટાંકી પણ છે પરંતુ પાણી જ આવતું ન હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી બાળકો ઘેરથી પાણીની બોટલો ભરીને લાવે છે અને આ પાણી પણ પુરૂ થઈ જાય ત્યારે સ્કૂલની બહારથી વેચાતા પાણીના પાઉચ ખરીદી પાણી પીવે છે. 

જ્યારે મધ્યાહન ભોજનના સંચાલક અને સ્ટાફ પણ ઘેરથી પાણી ભરી રસોઈ બનાવે છે આ અંગે બજાણા પે-સેન્ટર શાળાના આચાર્ય અને એસએમસીના અધ્યક્ષે તાત્કાલીક બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાટડી, ટીડીઓ, મામલતદાર, મધ્યાહન ભોજન મામલતદાર સહિતનાઓને લેખીત અને મૌખિક રજુઆતો કરી છે તેમ છતાંય કોઈ જ ઉકેલ આવ્યો નથી.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ માટે કરોડો રૂપિયાની ગ્રાંન્ટો આપવામાં આવે છે તેમજ પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા તાયફાઓ કરી લાખો રૂપિયા વેડફવામાં આવી રહ્યાં છે ત્યારે બજાણા પે-સેન્ટર શાળામાં છેલ્લા ત્રણ મહિનાથી શાળાના બાળકો ભરશિયાળે પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે તથા તંત્ર ધોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આથી તાત્કાલીક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય અને શિક્ષકોની માંગ ઉઠવા પામી છે.

Tags :