ચામુંડા માતાજીનુ ધામ ચોટીલા ડુંગર પર સાંજે 6.30 સુધી જ દર્શન થઇ શકશે
સુરેન્દ્રનગર, તા.8 જુન 2020, સોમવાર
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ અને લાખો પરિવારોના કુળદેવી જ્યાં બિરાજે છે તે ચોટીલા ડુંગર પર આવેલ ચામુંડા માતાજીનું મંદિર પણ અન્ય મંદિરો સાથે ખોલવા નિર્ણય લેવાયો હતો. આજે ભાવિકો માટે ખોલવામાં આવ્યું હતું અને અનેક લોકોએ મા ચામુંડાના દર્શન કર્યા હતા.
જોકે સરકારના નિયમોનુસાર આ મંદિરમા દર્શન સાંજના સાડા 6:00 વાગ્યા સુધી જ કરી શકાશે મંદિરના મહંત શ્રી અશ્વિન ગિરીએ જણાવ્યું કે, મંદિર દર્શનાર્થીઓ તેમના ચપ્પલ ડુંગર પર આવતા પહેલા પોતાના વાહનમાં રાખીને આવે હિતાવહ છે, તેમજ મંદિરમાં પ્રસાદ કે અન્ય કોઈ વસ્તુ હાલ પધરાવવામાં આવશે નહીં તથા જેમને તાવ હશે અથવા નાના બાળકો અને વૃદ્ધોને નીચેથી જ આવવાની ના પાડી દેવામાં આવશે. હાલ અન્નક્ષેત્ર તથા ધર્મશાળા બંધ છે.
લોકો ડુંગર પર ચડે ત્યારે એકસાથે નહીં ચાલતા અંતર રાખીને ચાલવાનું રહેશે. તેમજ સવારે 6:30 વાગ્યે મંદિર ખોલ્યા બાદ બપોરે 12:00થી 1:00 મંદિર વિસ્તાર રોગાણુ મુક્ત કરવા માટે બંધ રાખવામા આવશે. ચોટીલા હજારો લોકો ચાલીને માનતા ઉતારવા આવે છે, ખાસ કરીને બહારગામના લોકો વધારે આવે છે.