Get The App

ઐતિહાસિક વઢવાણ શહેરનો સ્થાપના દિવસ ઉજવાયો

Updated: Sep 11th, 2021

GS TEAM

Google News
Google News
ઐતિહાસિક વઢવાણ શહેરનો સ્થાપના દિવસ ઉજવાયો 1 - image


- શિલાલેખનુ પૂજન અને ભોગાવોની મહા આરતી સાથે 

- ૨૫૦૦ વર્ષ કરતા વધુ પ્રાચિન શહેરના ઐતિહાસિક વારસા અને ગરીમાને સાચવવાનો સંકલ્પ લેવામાં આવ્યો 

સુરેન્દ્રનગર : ઝાલાવાડનાં ઐતિહાસીક શહેર વઢવાણનો ઋષિપાંચમે સ્થાપના દિવસ ઉજવાયો હતો. ભોગાવો નદીની મહાઆરતી કરીને વઢવાણના ઐતિહાસીક વારસાને, ગરીમાને સાચવવા શહેરના નાગરિકો અને અગ્રણીઓ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આશરે ૨૫૦૦ વર્ષ કરતા પણ વધુ પ્રાચિન એવા ઐતિહાસીક શહેર વઢવાણનો ગઈકાલે સ્થાપના દિવસ ઉજવાયો હતો. દર વર્ષે ઋષી પાંચમના દિવસે આ શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમીતભાઈ કંસારા, દશરથસિંહ અસવાર, બનેસંગભાઈ ગઢવી વિગેરે દ્વારા વઢવાણના શિલાલેખનુ પૂજન કરવામાં આવ્યુ હતુ. બે હજારથી વધુ બાળકોને બુંદીના લાડુ-ગાંઠીયાનુ બટુક ભોજન કરાવવામાં આવ્યુ હતુ. સાંજે પાંચ વાગ્યે ઐતિહાસીક ભોગાવો નદીની મહા આરતી યોજાઈ હતી. આ પ્રસંગે દરેક સમાજના લોકો, સામાજીક-રાજકીય આગેવાનો, વઢવાણ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને વઢવાણની વિરાસત, અસ્તિત્વ અને ગરીમાને સાચવવાનો સંકલ્પ લેવાયો  હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જુનામાં જુનો ભુભાગ વઢવાણનો માનવામાં આવે છે. મૈત્રક રાજ્યમાં વઢવાણ જીલ્લાનો દરજ્જો ધરાવતુ હતુ. ઈ.સસ.૧૧૫માં રાણકદેવી વઢવાણમાં સતી થયાનું મનાય છે. ઈ.સ.૧૩૦૦માં બત્રીસ લક્ષણાનો ભોગ લેતી પ્રસિધ્ધ માધાવાવનું સર્જન થયુ હતુ. ૧૩૦૫માં પ્રબંધ ચિંતામણી નામના મહાનગ્રંથનું વઢવાણમાં સંપાદન થયુ હતુ. ૧૮૨૦માં કવિ દલપતરામનો જન્મ થયો હતો, ૧૯૨૧માં ગાંધીજીએ ઘરશાળાની સ્થાપના કરી હતી. ૧૯૪૫માં વઢવાણ કેમ્પને સુરેન્દ્રનગર નામ અપાયુ હતુ. અહીં ગધૈપીળી નામનું તળાવ હતુ જેનુ બીજુ નામ  ફાટસર...જયાં પુર્વાભિમુખના સ્વયંભુ ગણેશજી આજે પણ બેઠા છે. આ ગણપતિ ફાટસર તળાવ પાસે કુંભાર લોકો તેમજ અન્ય લોકો મકાન માટે માટી ખોદે ત્યારે કોઈ વાર ઉંડેઉંડે માટીમાંથી ગધૈયા સિક્કા મળી આવે છે.

 કલ્પસુત્ર નામના જૈન ગ્રંથમાં જણાવ્યુ છે કે અસ્થિગ્રામ  નામના આ સ્થળે ભગવાન મહાવીર પધાર્યા હતા રાતભર શુણપાણ યક્ષને ઝઝુમતો રહેવા દઈ મહાવીરે તેના પર કૃપા કરી તેનો ઉધ્ધાર કર્યો હતો. ત્યારબાદ આ સ્થળ વર્ધમાનપુરી તરીકે નામાભિમાન થયુ જે કાળક્રમે અપભ્રંશ થઈ વઢવાણ તરીકે ઓળખાય છે. વઢવાણમાં સવંત ૧૬૬૦માં રાજવી ચંદ્રસિંહજીએ જુદુ રાજ્ય સ્થાપ્યુ હતુ. તેમને દાજીરાજ અને બાલાસિંહ એમ બે કુંવરો હતા. દાજીરાજીએ સને ૧૮૮૧માં રાજ્યની લગામ હાથમાં લીધી હતી. તેઓ ૫ મે ૧૮૮૫માં સ્વર્ગવાસી થતા તેમના પછી બાલસિંહજીએ ત્યારબાદ જશવંતિસંહજીએ, તે પછી જોરાવરસિંહજી અને છેલ્લે સુરેન્દ્રસિંહજીએ ગાદી સંભાળી હતી.

વઢવાણના ઐતિહાસિક સ્થળો 

વઢવાણમાં મહાવીર સ્વામીની દેરી, રાણકદેવીનુ મંદિર, ગંગાવાવ, માધાવાવ, હવામહેલ, ગણપતિ ફાટસર,ચંદ્રવિલાસ મહેલ, પાડા મસ્જીદ, કાનેટી હનુમાન, નકટીવાવાના મેલડી માતાનુ મંદિર, ઘરશાળા, વિગેરે ઐતિહાસીક અને જોવાલાયક સ્થળો આવેલા છે.

વઢવાણની ઐતિહાસિક તવારીખ

-ઈ.સ.૧૧૫માં રાણકદેવી સતી થયાનું મનાય છે

-ઈ.સ.૧૩૦૦માં માધાવાવનુ સર્જન થયુ

-ઈ.સ.૧૩૦૫મા પ્રબંધ ચિંતામણી ગ્રંથનું સંપાદન

-ઈ.સ.૧૬૬૦માં ચંદ્રસિંહજીએ વઢવાણમાં જુદુ રાજ્ય સ્થાપ્યુ

-ઈ.સ.૧૮૮૫માં દાજીરાજસિહજીનો સ્વર્ગવાસ થયો

-ઈ.સ.૧૮૨૦ માં કવિ દલપતરામનો જન્મ 

-ઈ.સ.૧૯૨૧માં ગાંધીજીએ ઘરશાળાની સ્થાપના કરી

ઈ.સ.૧૯૪૫માં વઢવાણ કેમ્પને સુરેન્દ્રનગર નામ અપાયુ.

Tags :