સુરેન્દ્રનગરના જૈન દેરાસરમાંથી રોકડ રૂા. ૭૫,૦૦૦ની ચોરી
- ત્રણ તસ્કરો સીસીટીવીમાં દેખાયા
- ડ્રોવરમાંથી ૩૫,૦૦૦, દાન પેટીમાંથી ૨૫,૦૦૦ અને ભંડારામાંથી ૧૫,૦૦૦ રોકડ ઉઠાવી તસ્કરો ફરાર
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર કોંઢની વાડી પાછળ આવેલા ઘર હો તો ઐસા ફલેટના પરિસરમાં આવેલ જૈન દેરાસરમાંથી અજાણ્યા ત્રણ ઈસમો મોડી રાત્રે રૂા.૭૫,૦૦૦ની રોકડ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.આ મામલે પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઘર હો તો ઐસા પરિસરમાં શ્રી સીમંધર સ્વામી ચોવીસ જિનાલય દેરાસરમાં પુજારીએ તા.૫મી ના સોમવારે રાત્રે આઠ વાગે રૂટીન મુજબ મંગલીક કરેલ હતું. તા.૬ઠીને મંગળવારે સવારે ૫-૩૦ કલાકે તેઓ દેરાસર જતા દરવાજા ખુલ્લા અને તાળા તુટેલા હતા આથી તેમણે તુરંત જ પ્રમુખ જીજ્ઞોશભાઈ કોઠારીને જાણ કરતા જીજ્ઞોશભાઈ અને કમીટી મેમ્બરો દેરાસરે દોડી ગયા હતા. જ્યાં તપાસ કરતા ઓફિસના ટેબલનાં ડ્રોવરમાંથી રૂા.૩૫,૦૦૦ રોકડા, દાનપેટીમાંથી રૂા.૨૫,૦૦૦ રોકડા તથા અન્ય ભંડારના લોક તોડીને રૂા.૧૫,૦૦૦ રોકડા મળી કુલ રૂા.૭૫,૦૦૦ રોકડાની ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા તા.૦૬-૦૬-૨૩ને રાત્રે ૧-૫૨ વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો દેરાસરમાં પ્રવેશ કરતા જોવા મળેલ હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.