સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા પાલિકા વિસ્તારમાં વેપાર-ધંધાના સમય બદલાયા
- કોરોનાનું સંક્રમણ સતત વધતા
- 31 જુલાઈ સાથે પાલિકા વિસ્તારની દુકાનો, ધંધા-રોજગાર બપોરે 4 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
સુરેન્દ્રનગર, તા.20 જુલાઈ 2020, સોમવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને સુરેન્દ્રનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે જેમાં જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં આ સંક્રમણને અટકાવવા તાજેતરમાં પ્રભારી સચીવ સહિત આરોગ્ય અગ્ર સચીવ જયંતિ રવિ તેમજ જિલ્લા કલેકટર કે.રાજેશ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
જેના ભાગરૂપે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશ દ્વારા આગામી તા.૩૧ જુલાઈ સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
જે મુજબ સુરેન્દ્રનગ-દુધરેજ-વઢવાણ નગરપાલિકા વિસ્તાર, લીંબડી નગરપાલિકા વિસ્તાર તથા ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ દુકાનો, વેપાર સવારના ૭-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે અને ત્યારબાદ બંધ કરવાના રહેશે. આ ઉપરાંત આ વિસ્તારમાં પાન-માવા, ગુટકા, તમાકુ વગેરેનું વેચાણ માત્ર પાર્સલથી જ કરવાનું રહેશે અને દુકાનો ઉપર પણ માત્ર બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું ૬ ફુટનું અંતર રાખવાનું રહેશે. તેમજ દુકાનમાં એક સાથે ચારથી વધુ વ્યક્તિઓ એક જ સમયે દુકાન ઉપર હાજર નહિં રહી શકે અને દુકાનદારને પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે એક વ્યક્તિને વ્યવસ્થા માટે રાખવાનો રહેશે.
તેમજ જાહેર સ્થળો ઉપર પાન-ગુટકા, તમાકુનું સેવન કરવા પર પ્રતિબંધ રહેશે. જ્યારે દુધ, શાકભાજી, કરીયાણું, દવાની દુકાન, હોસ્પીટલ તથા આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ સેવાઓ અને ઉદ્યોગોને આ જાહેરનામું લાગું પડશે નહિં. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે જિલ્લામાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલથી લઈ ડીવાયએસપી સુધીનો હોદ્દો ધરાવતાં તમામ વ્યક્તિઓ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરાયા છે. આમ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં તંત્ર સતર્ક બન્યું છે.