કારગિલ વિજય દિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
- રેડક્રોસ સોસાયટી અને ૨૬ એનસીસી બટાલીયનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર, તા. 26 જુલાઇ 2020, રવિવાર
સમગ્ર દેશમાં તા.૨૬ જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને કારગીલ યુધ્ધમાં શહીદ થયેલ વિરજવાનોને દેશભરમાં શ્રધ્ધાંજલી પાઠવવા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી તેમજ ૨૬-એનસીસી બટાલીયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારગીલ યુધ્ધમાં દેશના અનેક જવાનોએ શહીદી વ્હોરી વિજય મેળવ્યો હતો ત્યારથી તા.૨૬ જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે મનવવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ આ દિવસે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો યોજી વિરજવાનોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. જેમાં સ્વ.નવીનભાઈ સંઘવી ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેનની સ્મૃતિમાં રેડક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર, ૨૬ફએનસીસી બટાલીયાન હેડ ક્વાર્ટના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્મીના જવાનોએ રક્તદાન કરી ૨૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પમાં બિસ્કીટ, માસ્ક તથા સેનેટાઈઝરની બોટલ ગીફટ આપવામાં આવી હતી. આ તકે કર્નલ કે.આર.શેખર, સુધીર નાયર, સુબેદાર સેતન સહિત લક્ષ્મણભાઈ પટેલ, કેયુર કોઠારી, રેડક્રોસ સોસાયટીના કારોબારી સભ્યો તેમજ સી.યુ.શાહ મેડીકલ કોલેજ બ્લડબેન્કની ટીમ, સામાજીક કાર્યકર ગોવિંદભાઈ, સેક્રેટરી રતીભાઈ ભડાણીયા, કલ્પેશ સંઘવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને આ આયોજનને સફળ બનાવ્યો હતો.