ચોટીલા અને થાનગઢ તાલુકામાં લક્ષણો વિનાના કોરોનાના દર્દીઓ ચિંતાનો વિષય
- ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં જાગૃતિના અભાવે સંક્રમણને ગંભીરતાથી લેતા નથી
- એક સપ્તાહમાં જ ચોટીલા તાલુકામાં 23 અને થાનગઢમાં 19 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ઉંધા માથે : 5 ગામમાં કરફ્યુ જેવો માહોલ : પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરાયો
ચોટીલા, તા. 26 જુલાઇ 2020, રવિવાર
ચોટીલા થાનગઢમાં કોરોના પોઝિટિવ કેસો એક સાથે વિસ્ફોટ રૂપી મોટી સંખ્યામાં આવતા બંન્ને તાલુકામાં લોકોમાં ફફડાટ સાથે ચર્ચાનો વિષય બનેલ છે. છેલ્લા એક સપ્તાહમાં ચોટીલા શહેરમાં ૫ કેસ થાનગઢ શહેરમાં ૧૯ અને ચોટીલા ગ્રામ્યમાં ગઇ કાલે એક સાથે ૧૮ પોઝિટિવ કેસો આવતા લોકોમાં કોરોના ને લઈને એક ભયનો માહોલ ફેલાયેલ છે.
ગ્રાઉન્ડ રીપોર્ટમાં મોટાભાગના દર્દીઓ સંપૂર્ણ નોર્મલ લાઇફ જીવતા છે કોઇ લક્ષણો નથી સામાન્ય શરદી ઉધરસ તાવ પણ નથી એટલે કે સીમટન્સ વગરનાં છે છતા સેમ્પલ રીપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.
આરોગ્ય વિભાગ સ્થાનિક પ્રાત અધિકારી, મામલતદાર, તાલુકા પંચાયત, નગર પાલિકા પોલીસ સહિતનું તંત્ર અનેક પ્રકારની કામગીરી કરવામાં કામે લાગી ગયેલ છે. થાનગઢ ખાતે આજે વધુ એક મહિલા જ્યોત્સનાબેન જે પરમારનો રીપોર્ટ પોઝિટિવ આવેલ છે તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી કલેકટર કે. રાજેશ સહિતના અધિકારીઓ થાન શહેરની મુલાકાત લઇ સ્થાનિક સ્થિતિનો અંદાજ મેળવેલ છે થાન પાલિકા દ્વારા ૨૮ લોકો ની ટીમ બનાવી વોર્ડ વાઇઝ તમામ ઘરોને સેનેટાઇઝર કરવાની કામગીરી હાથ ધરેલ છે. તેમજ દર્દીના ઘર નજીકનો નિયમ મુજબ બફર કન્ટેન્મેન્ટ ઝોન કરી અવર જવર પ્રતિબંધ કરાયેલ છે
ચોટીલા શહેરનાં પાચ દર્દીઓ પછી ગ્રામ્ય વિસ્તારોમાં પાચ ગામોમાં એક સાથે ૧૮ વ્યક્તિઓ ને પોઝિટિવ રીપોર્ટ આવતા ગામડાઓમાં હાહાકાર જેવી સ્થિતિ ઉદભવેલ છે. આજે ગામડાની રૂબરૂ કોવીડ પ્રભાવગ્રસ્ત ઘરોની મુલાકાત ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા, પ્રાંત અધિકારી આર બી અંગારી મામલતદાર પી એલ ગોઠી, સહિતની ટીમો દોડી ગયેલ જેઓએ જે ગામોમાં કેસ છે તે વિસ્તારમાં સેનેટાઇઝર અને ઝોન નક્કી કરી અવર જવર બંધ કરાવેલ છે તેમજ જેઓને પોઝિટિવ આવેલ છે તેઓના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરેલ છે.
ગામડાઓમાં દર્દી પરિવારની મુલાકાત દરમિયાન જોવા મળેલ છે કે કોઇ લક્ષણો ન હોવા છતા પોઝિટિવ આવેલ છે તેવા લોકોને કોરોનાની કોઇ ગંભીરતાની ખબર નથી અપવાદ રૂપ એક બેને બાદ કરતા તમામ પરિવારો તેમના કાયમી જનજીવન ની જેમ પરિવાર સાથે જોવા મળેલ છે તેમજ માસ્ક અંગે પણ ગંભીરતા જોવા નથી મળેલ જે બાબત ખરેખર ખતરાની ઘંટડી સમાન ગણી શકાય છે.
પ્રભાવિત વિસ્તારોમાં ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં પણ પોઝિટિવ આવ્યા
એક સાથે સિરીયલ ક્રમાંકમાં પોઝિટિવ રીપોર્ટનો બ્લાસ્ટ થયેલ છે જેટલા સેમ્પલ લેવામાં આવેલ તેમાં મોટા ભાગના પોઝિટિવ આવેલ છે એવા લોકોમાં આવેલ છે જે નથી કોઇ પ્રભાવિત વિસ્તારોમાં ગયા, નથી ગામ બહાર ગયા કે નથી કોઇ પોઝિટિવનાં સંપર્કમાં આવેલ જેને કારણે ચોટીલા તાલુકો મોટા પ્રમાણમાં સંક્રાંમિત થયેલ છે કે પછી કંઇ રીપોર્ટમાં બનેલ છે? તેવા સવાલો લોકોનાં મનમાં ઉદભવેલ છે આરોગ્ય વિભાગનાં રૂટીન સેમ્પલમાં આંગણવાડી બહેનો, આશાવર્કરોનાં કહેવા થી સેમ્પલ આપવા તૈયાર થયેલ અને મોટી સંખ્યામાં કોવીડ પ્રભાવિત આવતા લોકો હવે ટેસ્ટ માટે પણ તૈયાર નહી થાય તેવી દહેશત ફેલાયેલ છે.
સારા માઠા પ્રસંગોએ લોકો ભેગા ન થાય એ જરૂરી
ચોટીલા પંથક અલ્પવિકસીત છે. ખેતી કરતા લોકો છે શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે ત્યારે સમગ્ર વિસ્તારમાં અનેક સમાજનાં જે રીતરિવાજો છે તે અને સારા માઠા પ્રસંગોમાં યથાવત સ્થિતી છે જેમાં અનેક ગામોમાં આવા પ્રસંગોપાત મોટી મેદની ભેગી થાય છે જે તંત્ર અને સામાજીક આગેવાનો દ્વારા બંધ કરાવવુ જોઇએ નહી તો આવનારા દિવસોમાં આ બાબત ખુબ મોટુ જોખમ સર્જી શકે છે.