લખતરના વણા ગામના ખેતરમાં પશુઓ પર જવલનશીલ પદાર્થ નખાયો
- ગાયો સહિતના પશુઓને ઈજા થતા જીવદયા પ્રેમીઓમાં રોષ
- સ્થાનિક રહીશે લખતર પોલીસમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી
સુરેન્દ્રનગર તા. 14 સપ્ટેમ્બર 2019, શનિવાર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામનાં ખેતરમાં ચરી રહેલ ગાયો સહિત અબોલ જીવો પર ચાર થી પાંચ શખ્સો દ્વારા જ્વલનશીલ પદાર્થ નાંખતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જે અંગે ગામનાં સ્થાનિક રહિશ ભરતસિંહ નરવિરસિંહે લખતર પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વણા ગામના ખેતરમાં ગાયો અને આખલાઓ સહિત ૮ થી ૧૦ અબોલ જીવો ચરી રહ્યાં હતાં તે દરમ્યાન ગામનાં જ શખ્સ ટીનાભાઈ કાળુભાઈ અને અન્ય ચાર જેટલાં શખ્સો દ્વારા અબોલ જીવો પર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો આથી ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી જે અંગેની જાણ થતાં ગ્રામજનો સહિત જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે આ અંગે ગામના રહીશે લખતર પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.