રતનપરના શક્તિનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં રોષ
- કોરોના વચ્ચે રોગચાળો ફેલાવાની દહેશત
- રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી છતાં તંત્ર નિદ્રામાં સમસ્યાથી ત્રસ્ત રહીશોની ચીફ ઓફિસરને રજૂઆત
સુરેન્દ્રનગર, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર
સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે રતનપરના શક્તિનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોને હાલાકી પડી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતાં ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જે અંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી સેલના પ્રમુખ સાગરભાઈ ચામડીયાએ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખીત રજુઆત કરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રતનપર વિસ્તારમાં આવેલ શક્તિનગર વિસ્તારમાં પઢારના ઘર પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ધણા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. જે અંગે વરસાદી પાણીનો નિકાલ કરવાં સ્થાનિક રહિશો સહિતના આગેવાનોએ અવાર-નવાર રજુઆતો કરી હતી પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નહોતો. જયારે આજ વિસ્તારમાં અગાઉ બે વર્ષ પહેલા ડેનગ્યુના કારણે એક બાળકનું મોત પણ નીપજ્યું હતું. આમ વરસાદી પાણીના નિકાલના અભાવે આ વિસ્તારનાં રહિશો હાલાકી ભોગવી રહ્યાં છે અને કોરોના જેવી મહામારીમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે ત્યારે તાત્કાલીક આ અંગે પગલા ભરવા સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખીત રજુઆત કરી હતી. તેમજ આ સમસ્યાનો ઉકેલ નહિં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.