સુરેન્દ્રનગર, તા. 9 ડિસેમ્બર, 2020, બુધવાર
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાંથી ઐતિહાસીક ભોગાવો નદી પસાર થાય છે પરંતુ આ નદીમાં હાલ અશુધ્ધ અને ગંદુ પાણી ઠાલવવામાં આવતાં ભોગાવો નદી દુષીત બની છે અને તંત્રને અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે તાત્કાલીક આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર તેમજ વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં ઐતિહાસીક ભોગાવો નદી પસાર થાય છે તેમજ બંન્ને શહેરોને જોડતી આ નદી છે ત્યારે આ નદીના કાંઠે અનેક નાના-મોટા ઉદ્યોગો આવેલા છે જે પૈકી અમુક ઔદ્યોગિક એકમો દ્વારા કેમીકલયુક્ત તેમજ દુષીત અને ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભોગાવો નદી ખુબ જ દુષીત બની છે. જ્યારે બીજી બાજુ શહેરી વિસ્તારોમાં ભુગર્ભ ગટરની લાઈન નાંખવામાં આવી છે અને તેનું ગંદુ પાણી પણ ભોગાવો નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેના કારણે પણ નદી દુષીત થઈ ચુકી છે આથી નદી કાંઠે વસતાં અનેક લોકોને ગંદા પાણી ભરાઈ જવાથી મચ્છરજન્ય રોગો થવાની દહેશત પણ સેવાઈ રહી છે. જ્યારે આ અંગે સામાજીક સંસ્થાઓ સહિત આગેવાનોએ અનેક વખત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ આવ્યો નથી. જ્યારે આ મામલે સંયુક્ત પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાનો સંપર્ક કરતાં પાલિકા તંત્ર દ્વારા ભોગાવો નદી શુધ્ધ બને તે દિશામાં હાલ પ્રયત્નો ચાલી રહ્યાં છે અને આગામી દિવસોમાં જે ઉદ્યોગો અને કારખાનાઓ દ્વારા નદીમાં કેમીકલયુક્ત અને ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી પણ આપી હતી. આમ ઐતિહાસીક મહત્વ ધરાવતી ભોગાવો નદી હાલ પ્રદુષીત બનતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલીક પગલા ભરવામાં આવે તેવી માંગ છે.


