Get The App

ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે 13 શખ્સોના ઘાતક હુમલાથી યુવાનનું મોત

Updated: Sep 26th, 2022

GS TEAM


Google News
Google News
ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે 13 શખ્સોના ઘાતક હુમલાથી યુવાનનું મોત 1 - image


- જુના મનદુઃખના કારણે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી બાદ હિચકારી ઘટના બની

- નવરાત્રીની પૂર્વસંધ્યાએ મહિલા સરપંચના પરિવારના યુવાનની હત્યા થતાં સમગ્ર પંથકમાં ફફડાટનો માહોલ : ચાર વ્યક્તિને ગંભીર ઈજા : હુમલાખોરોને ઝડપી લેવાની માગણી સાથે પરિવારે યુવાનની લાશ સ્વિકારવાનો ઇનકાર કરતાં પોલીસ તંત્ર દોડતુ થયું

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાનાં દેવચરાડી ગામે જુના મનદુઃખના કારણે બે જૂથ વચ્ચે બોલાચાલીનો બનાવ બન્યો હતો. જોતજોતામાં ઝઘડાએે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘાતક હથિયારા સાથે ૧૩ શખ્સો ગામનાં મહિલા સરપંચના પરિવારના યુવાન ઉપર તૂટી પડયા હતાં. જીવલેણ હુમલામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ફફડાટનો માહોલ છવાઇ ગયો છે. આ બનાવમાં ચાર વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી છે. નવરાત્રીની પૂર્વ સંધ્યાએ બનેલી ઘટનાથી ગામમાં તહેવારનો માહોલ વિલાઇ ગયો છે. 

મોતની ઘટનાથી યુવાનના પરિવારજનોમાં રોષની લાગણી પ્રસરી ગઇ હતી અને લાશ સ્વીકારવાનો ઈન્કાર થતાં પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતુ. દરમિયાન દલિત સમાજના આગેવાનોની અપીલને પગલે ધ્રાંગધ્રા શહેરમાં બંધની સ્થિતિ જોવા મળી હતી.

સમગ્ર ઘટનાની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, ધ્રાંગધ્રા તાલુકાનાં દેવચરાડી ગામનાં વાલજીભાઈ રામજીભાઈ પરમારનાં પત્ની મણીબેન ગામનાં સરપંચ છે. દલિત પરિવારનાં મહિલા સરપંચ પદે ચૂંટાયા છે. વાલજીભાઈ પરમારના પત્ની સરપંચના હોદ્દા ઉપર હોવાથી અન્ય સમાજના જૂથ સાથે મનદુઃખ ચાલતું હતું. ૨૫ સપ્ટેમ્બરની મોડી સાંજે આ જૂથ સાથે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. તે દરમિયાન પંકજભાઈ પોલાભાઈ ભડાણીયા, કિશોરભાઈ અરજણભાઈ ભડાણીયા, પ્રવિણભાઈ ગોરધનભાઈ મહેરીયા, મુનાભાઈ ઘનશ્યામભાઈ મહેરીયા, રતિલાલ ભગવાનભાઈ મહેરીયા સહિતનાં ૧૩ શખ્સોએ પાઈપ, લાકડી, છરી, તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં વાલજીભાઈ રામજીભાઈ પરમારના બંન્ને પગમાં તથા જમણા હાથમાં ફેકચર, માથાના ભાગે ઈજા, સરપંચ મણીબેનને ડાબા હાથ તેમજ પગનાં ભાગે ઈજા થઇ હતી. તેમજ વાલજીભાઈનાં ભત્રીજા જગદીશભાઈ પરમાર ઉપર તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવતા ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજ્યુ હતું. જ્યારે જગદીશભાઈનાં મહેમાનો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત રોષે ભરાયેલા આરોપીઓએ સરપંચ પરિવારને જાતીય રીતે અપમાનિત કરી અપશબ્દો બોલ્યા હતાં. મૃતકને ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં દલિત સમાજનાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આરોપીઓને ત્વરીત પકડવાની માંગ કરવામાં આવી હતી. તેમજ લાશ સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમ દેવચરાડી ગામે પહોંચી ગઈ હતી. જિલ્લા પોલીસવડા, ડી.વાય.એસ.પી. સહિતનાં પોલીસ અધિકારીઓએ પણ ગામમાં અને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં અને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. ઘટનાના પગલે કોઇન્નિચ્છનિય બનાવ ના બને તે માટે સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે ધ્રાંગધ્રાના મોટાભાગનાં વિસ્તારોની બજારો બંધ રહી હતી. પોલીસે આઈ.પી.સી. ૩૦૨, ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮ ૧૪૯, ૪૫૨, જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧) (આર) (એસ)(એન), ૩(ર)(૫) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

હત્યામાં સંડોવાયેલા ૧૩ આરોપીઓના નામ
(૧) પંકજભાઈ પોલાભાઈ ભડાણીયા, (ર) કિશોરભાઈ અરજણભાઈ ભડાણીયા, (૩) પ્રવિણભાઈ ગોરધનભાઈ મહેરીયા, (૪) મુનાભાઈ ઘનશ્યામભાઈ મહેરીયા, (૫) રતિલાલ ભગવાનભાઈ મહેરીયા, (૬) દેવજીભાઈ સુંદરભાઈ મહેરીયા, (૭) રામજીભાઈ સુંદરભાઈ મહેરીયા, (૮) ચંદુભાઈ અરજણભાઈ ભડાણીયા, (૯) ગોવિંદભાઈ ભગવાનભાઈ મહેરીયા, (૧૦) હેમાભાઈ ચતુરભાઈ રોજાસરા, (૧૧) જાદવભાઈ હરજીભાઈનો બીજા નંબરનો દિકરો, (૧૨) બુધાભાઈ કાનાભાઈ ભડાણીયા અને (૧૩) વશરામભાઈ બબાભાઈ મહેરીયા (તમામ રહે. દેવચરાડી ગામ)નો હુમલો કરવાના બનાવમાં આરોપી તરીકે સમાવેશ થાય છે. 
આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો પરિવારનો ઈન્કાર
દેવચરાડી ગામનાં જગદીશભાઈ પરમારની હત્યા બાદ પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તેના પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયુ હતું. હાલ મોડી સાંજ સુધી એટલે કે, બનાવનાં ૨૪ કલાક બાદ પણ લાશ સ્વીકારવામાં આવી ન હોવાની વિગતો જાણવા મળે છે.

Tags :