રહેમલપર ગામના પાટીયા પાસેથી 2 પશુઓની હેરાફેરી કરતી ગાડી પકડાઇ
- ગેરકાયદે પશુઓની હેરાફેરી કરનારા બે શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વિરમગામ, તા.30 જૂન 2020, મંગળવાર
અમદાવાદ જિલ્લાના વિરમગામ ધ્રાંગધ્રા હાઇવે ઉપર ગેરકાયદેસર પશુઓની હેરફેર થઇ રહી છે. તેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે અવાનરનવાર જીવદયા પ્રેમીઓ અને પોલીસ દ્વારા અબોલ પશુઓને બચાવી લેવામાં આવતા હોય છે.
આવો એક બનાવ વિરમગામ સમીપે રહેમલપુર પાટીયાથી વિરમગામ જતા રસ્તા ઉપર બનવા પામ્યો છે. જેમાં બોલેરો પીકઅપ વાહનમાંથી ૧ પાડા અને ૧ ભેંસને વિરમગામ ગ્રામ્ય એસ.ઓ.જી. ઝડપી પાડી બે આરોપી વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય એસઓજીના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઇ અને મનુભાઇને મળેલ ખાનગી બાતમીના આધારે રેહમલપર પાટીયા પાસે વોચમાં ઉભા હતા ત્યારે બાતમીવાળી મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન જીજે-૩૬ ટી- ૫૬૨૯ની તલાશી લેતા એક પાડો અને એક ભેંસ જીવતી મળી આવેલ જે અંગે જરૃરી પાસ પરમીટ માંગતા મળી આવેલ નહી અને પશુઓ માટે ઘાસચારા, પાણી વગર ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલ. બાબતે આરોપી (૧) જયેશભાઇ સિંધવ (લુહાર) રહે. ચંદ્રપુર (૨) મહેશ પરમાર (લુહાર) રહે. ચંદ્રપુરની ધરપકડ કરી કુલ રૃા. ૩,૪૧,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.