સાઈડમાં ઉભેલી ખાનગી બસ પાછળ આઈસર ઘૂસી જતા એક વ્યક્તિનું મોત
- લીંબડી- અમદાવાદ હાઈવે પર દેવપરા પાટિયા પાસે અકસ્માત
- રાજકોટથી સુરત જતી ટ્રાવેલ્સ બસનો ડ્રાઈવર ડીઝલ લેવા ગયો હતો: બહાર બોનેટ આગળ મુસાફર ઉભો હતો
લીંબડી : લીંબડી અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે દેવપરાના પાટિયા પાસે રોડની સાઈડમાં ઉભેલી ટ્રાવેલ્સને પાછળથી આઈશરે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
રાજકોટથી સુરત જઈ રહેલી ખાનગી કંપનીની ટ્રાવેલ્સની બસ લીંબડી અમદાવાદ હાઈવે પર દેવપરાના પાટિયા પાસે પહોંચતાં ટ્રાવેલ્સમાં ડીઝલ ખાલી થઈ જતાં ટ્રાવેલ્સ ચાલકે ટ્રાવેલ્સને રોડની સાઈડમાં ઈન્ડીકેટર ચાલુ રાખીને ડીઝલ લેવા માટે ગયા હતા. તે સમયે ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં ભગવાનજીભાઈ મુળજીભાઈ બુસા રહે. રાજકોટ જેઓ ટ્રાવેલ્સમાંથી બહાર ઉતરીને તેની આગળના ભાગે ઉભા હતાં. તે સમય દરમિયાન આઈશર ચાલક કયામુદિનભાઈ ટપુ શેખ રહે. અમદાવાદવાળાએ પુર ઝડપે આવીને ટ્રાવેલ્સને પાછળથી ટક્કર મારતાં ટ્રાવેલ્સ આગળ રગડી જતાં આગળ ઉભેલાં ભગવાનજીભાઈ મુળજીભાઈ બુસાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ પાણશીણા પોલીસને થતાં પોલીસ સ્ટેશનનાં પો.કો. પ્રકાશભાઈ ચિહલા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ભગવાનજીભાઈ બુસાની ડેડ બોડીને પીએમ અર્થે મોકલી આપી બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.