ચુડા તાલુકાના કંથારિયા ગામમાં જૂથ અથડામણમાં આધેડ શખ્સની હત્યા
- બોલાચાલીનું મનદુઃખ રાખી પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો : બેને ઈજા થતા સારવાર હેઠળ
લીંબડી, તા. 12 જુન 2020, શુક્રવાર
હાલ એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી બાજુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ચુડા તાલુકાના કંથારીયા ગામમાં બે જુથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં એક આધેડની હત્યા નીપજી હતી જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચુડા તાલુકાના કંથારીયા ગામે રહેતાં નાગરભાઈ ભીખાભાઈને થોડા દિવસો પહેલાં ગામમાં જ રહેતાં રાવળદેવ જ્ઞાાતિના લોકો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે અંગેનું મનદુઃખ રાખી અંદાજે પાંચ જેટલાં અજાણ્યા શખ્સોએ ધારીયા, બંદુક અને લાકડી જેવા ઘાતક હથિયારો વડે પગીપરા રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યા હતાં અને જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત નાગરભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે શખ્સો કમલેશભાઈ અને મુકેશભાઈને હાથે-પગે ઈજાઓ પહોંચતાં લીંબડી ૧૦૮ના પાયલોટ અગરસિંહ તેમજ ઈએમટી પ્રતિકાભાઈ રામી દ્વારા પ્રથમ લીંબડી સરકારી હોસ્પીટલ તેમજ ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે આ બનાવની જાણ થતાં ચુડા પીએસઆઈ જે.એમ.ડાંગર સહિતનો સ્ટાફ કંથારીયા ગામે આવી પહોંચ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ મૃતકની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે હોસ્પીટલે મોકલવામાં આવ્યાં હતાં તેમજ આ બનાવ અંગે ચુડા પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી હતી.
જો કે આ બનાવ અંગે મોડીસાંજ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નહોતી અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્ય સાથે જિલ્લામાં હાલ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી બાજુ કોરોના વાયરસની મહામારી દરમ્યાન પણ જિલ્લામાં ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.