For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લખતરના લીલાપુર ગામનો શખ્સ ચોરીનું ૩૦ મણ જીરૂ વેચવા જતા પકડાયો

Updated: May 22nd, 2023

લખતરના લીલાપુર ગામનો શખ્સ ચોરીનું ૩૦ મણ જીરૂ વેચવા જતા પકડાયો

- ચાર દિવસ અગાઉ ટ્રકમાંથી જીરૂની ચોરી કરી હતી 

- ૧૫ મણ વરીયાળી અને ૪૫ મણ સીંગદાણા, જીરૂ, ગાડી સહિત ૭.૯૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો  

સુરેન્દ્રનગર : લખતર તાલુકાનાં લીલાપુર ગામેથી બોલેરોમાં ચોરીનું જીરૂ ભરી વેચવા જતા શખ્સને પોલીસે ઝડપી લઈ પુછપરછ કરતા ૧૫ મણ વરીયાળી અને ૪૫ મણ સીંગદાણાનો જથ્થો પણ ઝડપાયો હતો.

 લખતર તાલુકાનાં લીલાપુર ગામે રહેતો પ્રદીપકુમાર ચમનલાલ મહેતા નામનો શખ્સ પોતાની બોલેરો મેક્ષીટ્રક પ્લસ ગાડીમાં ચોરી કે છળકપટથી મેળવેલું જીરૂનો જથ્થો કોથળાઓમાં ભરી વેચવા માટે લખતર તરફ જનાર છે તેવી બાતમી મળતા એલ.સી.બી. ટીમે વોચ ગોઠવી લીલાપુરથી નર્મદા કેનાલ તરફ જતા રોડ ઉપરથી તેને ઝડપી લઈ પુછપરછ કરતા ઈંગરોળીના સીરાજખાન રહીમખાન જત મલેક અને ગેડીયાના ફીરોજખાન અલીખાન જતમલેકે ચાર-પાંચ દિવસ પહેલા રાત્રે માલવણથી મોઢવણા વચ્ચે ટ્રકમાં બાંધેલી તાડપત્રી કાપી ૧૫ બોરી જીરાની ચોરી કરી હતી તે પૈકી ૧૧ બોરી તે પોતે (પ્રદીપ) વેચવા લાવ્યો હતો. પોલીસે રૂા.૨,૫૨,૦૦૦ની કિંમતનું ૩૦ મણ જીરૂ, એક મોબાઈલ, બોલેરો મેક્ષ ગાડી જપ્ત કરી વધુ પુછપરછ કરતા આ બન્ને શખ્સોએ વરીયાળી અને સીંગદાણાની પણ ચોરી કરી છે અને આ ચોરીનો માલ ઈંગરોળી ગામની સીમમાં પડેલો છે તેવુ પ્રદીપે જણાવતા પોલીસે તેને સાથે રાખી ઈંગરોળી ગામની સીમમાં તપાસ કરતા ૧૫ મણ વરીયાળી, ૪૫ મણ સીંગદાણાનો જથ્થો પણ મળી આવ્યો હતો.

 અલ.સી.બીની ટીમે પ્રદીપ મહેતાની રૂા.૨,૫૨,૦૦૦ની કિંમતના ૩૦મણ જીરૂ, રૂા.૪૮૦૦૦ ની કિંમતની ૧૫ મણ વરીયાળી તથા રૂા.૯૦,૦૦૦ની કિંમતના ૪૫ મણ સીંગદાણા બોલેરો ગાડી, મોબાઈલ વિગેરે મળીને કુલ રૂા.૭,૯૫,૦૦૦ ના મુદામાલ સાથે અટક કરી ધોરણસર કાર્યવાહી કરી છે. 

Gujarat