સાયલાના ડોળિયામાં કોંગ્રેસના ધારાસભ્યોની હાજરીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ
- અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓ લીંબડી પેટા ચૂંટણી-રાજ્યસભાની ચૂંટણી અંગે ચર્ચાઓ કરી
સાયલા, તા.16 જૂન 2020, મંગળવાર
સમગ્ર રાજ્યમાં હાલ રાજ્યસભાની ચુંટણીને ધ્યાને લઈ રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ દ્વારા પોતાના ધારાસભ્યોને લાલચ આપી હોર્સ ટ્રેડીંગ કરવામાં ન આવે તે માટે અલગ-અલગ જગ્યાએ ફાર્મ હાઉસ કે રીસોર્ટ પર લઈ જવામાં આવ્યાં છે ત્યારે સાયલા તાલુકાના ડોળીયા ખાતે આવેલ ઉત્તરબુનીયાદી વિદ્યાલયમાં કોંગ્રેસના એક જુથ દ્વારા આવનારી રાજ્યસભા સહિત પેટા ચુંટણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં હાલ રાજ્યસભાની ચુંટણીને ધ્યાને લઈ બંન્ને પક્ષો દ્વારા ચુંટણીમાં પોતાની જીત થાય તે માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તેમજ તાજેતરમાં લીંબડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલે કોંગ્રેસપક્ષમાંથી રાજીનામું ધરી દેતાં લીંબડી બેઠક પર પેટા ચુંટણી જાહેર કરવામાં આવી છે. તે સંદર્ભે જિલ્લાના સ્થાનિક કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો સહિતનાઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સાયલાના ડોળીયા ખાતે આવેલ ઉત્તરબુનીયાદી વિદ્યાલય ખાતે આવનારી રાજ્યસભા સહિત પેટા ચુંટણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના અલગ-અલગ જિલ્લાઓમાંથી ધારાસભ્યો સહિત પ્રદેશકક્ષાએથી અર્જુનભાઈ મોઢવાણીયા તેમજ યુવા નેતા હાર્દિક પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે ઉપસ્થિત હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતનાઓએ ભાજપ સરકાર સામે ભ્રષ્ટાચાર, મોંધવારી, ધારાસભ્યોની હોર્સ ટ્રેડીંગ સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા તેમજ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સોમાભાઈ પટેલ સામે પણ રોષ દાખવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો બાબુભાઈ વાજા, સંતોકબેન પટેલ, હર્ષદભાઈ રીબડીયા, બિમલ ચુડાસમા, લલીત વસોયા, લલીત કગથરા, પુંજાભાઈ વંશ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, રૈયાભાઈ રાઠોડ, કલ્પનાબેન મકવાણા, ચેતનભાઈ ખાચર, હરપાલસિંહ જાડેજા, ઋત્વિકભાઈ મકવાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.